રિપોર્ટ@મહેસાણા: યુવતીનો અનોખો અભ્યાસ પ્રેમ, લગ્નના ફેરા ફરી તરત TET-2ની પરીક્ષા આપી

 
Naina Thakor

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યભરમાં રવિવાવરે ટેટ-2ની પરીક્ષા લેવાઇ હતી. આ દરમ્યાન મહેસાણાના ખેરાલુની દીકરીની એક પ્રેરણાત્મક વાત સામે આવી છે. આ દીકરીના લગ્ન સવારે થયા હતા. તે બાદ તેણે ટેટ-2ની પરીક્ષા આપી હતી અને પછી તેની વિદાય કરવામાં આવી હતી. આ સમાજે છોકરીઓના વિકાસમાં ભાગીદાર બનવા માટે અનોખી પહેલ કરી છે. કન્યાના પતિ સહિત સાસરીપક્ષે પણ કન્યા પરીક્ષા આપીને આવે ત્યાં સુધી તેની માંડવામાં જ રાહ જોઇ હતી. આ કિસ્સાને તે ગામના લોકો અને રાજ્યભરના લોકો બિરદાવી રહ્યા છે.

મહેસાણાના ખેરાલુની ઠાકોર નૈના મહેન્દ્રસિંહે BSc, B.Ed સુધીનો અભ્યાસ કર્યો છે. નૈનાના લગ્ન અને પરીક્ષા એક દિવસે જ હતા. જોકે પરિવાર અને સમાજના સહકાર સાથે સવારે કન્યાના લગ્ન કરાવાયા હતા. જે બાદ તેને પરીક્ષા માટે મોકલાઈ હતી. લગ્નના માંડવેથી કન્યાને ખેરાલુથી અમદાવાદ પરીક્ષા માટે મોકલાઈ હતી.

શું કહ્યું નૈના ઠાકોરે ?

સમગ્ર મામલે કન્યા નૈનાબેને જણાવ્યું કે, આજે મારી અમદાવાદમાં ટેટ 2નું ગણિત-વિજ્ઞાનનું પ્રશ્નપત્ર હતું. આજે મારે બે પરીક્ષા હોય તેવું લાગતું હતુ, એક જીવનની અને એક હું ભણી છું એની પરીક્ષા. આ બંને પરીક્ષા આપવામાં હું સફળ થઇ છું. તેથી હું આજે ખુશ છું. અમારા સમાજની દીકરીઓને હું કહેવા માંગીશ કે, તે પોતાનો અભ્યાસ પુરો કરે અને આગળ વધે. આ પરીક્ષા આપવામાં મને મારી ફેમિલીનો સપોર્ટ સૌથી વધારે હોય છે.

શું કહ્યું નૈના ઠાકોરનાં પિતાએ ? 

યુવતીના પિતાએ જણાવ્યું કે, 'અમે નૈનાના લગ્નનું મૂહુર્ત ટેટની તારીખ આવે તે પહેલા જ કઢાવી લીધું હતું. આ પરીક્ષાનો કોલલેટર અઠવાડિયા પહેલા જ નીકળ્યો હતો. ત્યારે નૈના માટે લગ્ન અને પરીક્ષા આપવી બંન્ને જરૂરી હતી એટલે અમે યોગ્ય મૂર્હુતે લગ્ન પણ થઈ જાય અને પરીક્ષા પણ આપી શકે તેવું આયોજન કર્યું હતું.

શું કહ્યું નૈનાના માતાએ ? 

આ અંગે નૈનાના માતા જશોદાબેને જણાવ્યુ કે, મારી દીકરીએ પરીક્ષા આપી તે સારું કહેવાય નહીં તો બધાને એમ હોય કે, મારા લગ્ન છે એટલે પરીક્ષા નહીં આપું. પરીક્ષા આપી તે ઘણું મહત્ત્વનું છે.