ગંભીર@ઊંઝા: ફેક્ટરીઓના ડસ્ટથી ત્રાહિમામ્ ગામલોકો, પ્રદૂષણ બોર્ડમાં કરી ચોંકાવનારી રજૂઆત
ઉનાવા ગામલોકોની રજૂઆત
ભેળવેલુ શંખજીરૂ જાહેરમાં ઉડાવતાં ગામલોકોએ ફેફસામાં તકલીફ થતી હોવાના આધાર સાથે કરી રજૂઆત

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

ઊંઝા વિસ્તારમાં કૃષિ ઉપજ સંબંધિત ઉદ્યોગ વેપાર ધમધમી રહ્યો તો બીજી તરફ કંઈક અલગ પરિસ્થિતિ સામે આવી રહી છે. ઉનાવા ગંજબજારની સામે ચાલતી ફેક્ટરીઓ ડસ્ટ ફેલાવી જાહેરમાં પ્રદૂષણ કરતી હોવાની ગંભીર રજૂઆત ગામલોકોએ કરી છે. ખેતી ઉપજના પાકને શુદ્ધ કરતી ફેક્ટરીના માલિકો શંખજીરૂ ઉડાવતાં હોઇ ફેફસાના રોગ થતાં હોવાનો ચોંકાવનારી આક્ષેપ કરવામાં આવતાં હડકંપ મચી ગયો છે. એક કે બે નહિ 25થી વધુ સહી સાથે ગામલોકોએ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને છેક મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે. જેમાં જાહેર સ્વાસ્થ્ય સાથે ચેડાં અટકાવવાની માંગ કરી છે. 

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહીં ક્લિક કરો


મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના ઉનાવા ગામલોકોએ હાઇવે પરની ફેક્ટરીની ગતિવિધિ વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથેની રજૂઆત કરી છે. જેમાં ઉનાવા ગંજબજારની સામે આવેલી ફેક્ટરીના માલિકો અનઅધિકૃત રીતે ખેતી ઉપજનુ શુધ્ધિકરણ કરતાં હોવાનો આક્ષેપ મૂકી આ ગતિવિધિથી જાહેરમાં પ્રદૂષણ ફેલાવી રહ્યા હોવાની રજૂઆત કરી છે. આ કામગીરી દરમ્યાન ભેળવેલુ શંખજીરૂ જાહેરમાં ઉડાડતાં હોઇ ગામલોકોને અવારનવાર ફેફસાના રોગનો ભોગ બનવું પડતું હોવાનું રજૂઆતમાં લખ્યું છે. 25થી વધુ સહી સાથેની અરજીમાં ગામલોકોએ કહ્યું છે કે, અગાઉ જરૂરી આધાર પુરાવા સાથે સંબંધિત વિભાગમાં પણ રજૂઆત કરેલી છતાં કોઇ નક્કર પગલાં નથી લેવાયા હોવાનું જણાવતાં અનેક સવાલો ઉભા થયા છે. આથી ગામલોકોએ ગત 18 નવેમ્બરે રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, સ્થાનિક ધારાસભ્ય અને મુખ્યમંત્રીને પત્ર લખી જરૂરી હુકમ કરવા વિનંતી કરી છે. જેમાં ફેક્ટરીઓથી જાહેર સ્વાસ્થ્ય સામે ચેડાં અટકાવવાનો આધાર લઈ રજૂઆત કરી છે.

https://www.facebook.com/569491246812298/