ગ્રામવિકાસ@મહેસાણા: અનેક કર્મચારીઓ યોગ્યતા નહિ જાળવતાં હોવાની આશંકા, તપાસમાં મોટો ઘટસ્ફોટ શક્ય

શંકાસ્પદ યોગ્યતા વાળા પૈકી કેટલાક તો મોટાં રાજકીય પીઠબળ ધરાવતા હોવાનું પણ સામે આવ્યું 
 
 મહેસાણા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ફાઇલ ફોટો

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

મહેસાણા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળની વિવિધ યોજનામાં કરાર આધારિત ફરજમાં આવેલા કર્મચારીઓ બાબતે મોટી આશંકા બની છે. બૂમરાણ જાણે એમ છે કે, કેટલાક કર્મચારીઓ લાયકાત કે અનુભવમાં જોગવાઈ મુજબની યોગ્યતા જાળવતાં નથી આમ છતાં ઘણા સમયથી નોકરી કરી રહ્યા છે. સરેરાશ 5થી વધુ કર્મચારીઓ તો શૈક્ષણિક લાયકાતમાં જ યોગ્યતા નહિ જાળવતાં હોવાની આશંકા સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. આટલું જ નહિ, જેની સામે આશંકા છે તે પૈકીના કેટલાક કર્મચારીઓ તો મોટાં ગજાના રાજકીય નેતાઓના પરિવારના પણ છે. સમગ્ર મામલે ગ્રામ વિકાસ એજન્સીના નિયામકને પૂછતાં જણાવ્યું હતું કે, હાલ કોઈ તપાસ નથી કે ફરિયાદ નથી છતાં જોવડાવી લઈએ. સૌથી મોટી વાત સામે આવી કે, જો તાત્કાલિક અસરથી પારદર્શક રીતે તપાસ થાય તો મોટો ઘટસ્ફોટ થઈ શકે છે. 

મહેસાણા જિલ્લા પંચાયતની જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના પારદર્શક વહીવટનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. ગ્રામ વિકાસ એજન્સીની મનરેગા, સ્વચ્છ ભારત મિશન, પ્રધાનમંત્રી આવાસ, મિશન મંગલમ સહિતની અનેક શાખામાં જરૂરિયાત મુજબ વખતોવખત ભરતી થયેલી છે. અગાઉ આઉટસોર્સ/કોન્ટ્રાક્ટ આધારિત ભરતી થયેલા કર્મચારીઓ પૈકી કેટલાક શૈક્ષણિક લાયકાત કે અનુભવમાં જોગવાઈ મુજબની યોગ્યતા ધરાવતા નથી છતાં નોકરીમાં ઘૂસી ગયા અથવા નોકરી આપી દેવામાં આવી હોવાની ગંભીર આશંકા સામે આવી છે. સરેરાશ 5થી 8 જેટલા કર્મચારીઓની યોગ્યતા વિરુદ્ધ ગંભીર સવાલો ઉભા થતાં આવું બની શકે તેવી શક્યતામાં હવે દોડધામ મચી ગઇ છે. શંકાસ્પદ યોગ્યતા વાળા કર્મચારીઓમાં કેટલાક તો મોટાં રાજકીય પીઠબળ ધરાવતા હોઈ ગ્રામ વિકાસની ભરતીમાં પણ લાગવક થાય ? તેવો ગંભીર સવાલ અને બૂમરાણ છે. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, અગાઉના નિયામકને ધ્યાને આવતાં તેમની ટીમ મારફતે સુઓમોટો તપાસ/ક્રોસ ચેકીંગ કરાવતાં 5થી 8 કર્મચારીઓની યોગ્યતા બાબતે પૂર્તતા શંકાસ્પદ મળી આવી હતી. વધુ તપાસ થાય કે ધોરણસરની કાર્યવાહી થાય તે પહેલાં જ નિયામકની બદલી થઇ ગઈ હતી. સમગ્ર મામલે હાલના નિયામક ચાવડાને પૂછતાં જણાવ્યું હતું કે, હાલ આવો કોઈ વિષય નથી છતાં નામ હોય તો તપાસ કરાવીએ. જાણકારોના મતે, જો ઝીણવટભરી તપાસ થાય તો મોટો ઘટસ્ફોટ થાય તેમ છે અને તેમાં પણ રાજકીય ઓથા હેઠળ ગ્રામ વિકાસ એજન્સીના તાલુકા કક્ષાએ નોકરીમાં ઘૂસી ગયેલા કે નોકરીમાં ઈરાદાપૂર્વક લેવામાં આવ્યા હોવાનો પણ પર્દાફાશ થાય તેવી પ્રબળ શક્યતા છે.