બેફિકર@મહેસાણા: નજીવા વરસાદમાં બસપોર્ટ હબટાઉનમાં પાણી ભરાયાં, એવું તે કેવું પીપીપી મોડેલ

 
Mehsana bus port hubtown
હબટાઉન કંપનીને વધુને વધુ દુકાનો બનાવી વેચાણમાં રસ છે તો આવતાં જતાં દરમ્યાન આ પાણી ભરાવો નથી દેખાતો હોય ??

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

મહેસાણા શહેરના હાર્દ સમા વિસ્તારમાં ગુજરાત એસટી વિભાગની બેસકિંમતી જમીન ઉપર હબટાઉન નામે ખાનગી કંપનીએ બસપોર્ટ, નિગમની વહીવટી કચેરી અને થોકબંધ દુકાનો બનાવી મોટો વેપાર કરી લીધો છે. જોકે બસપોર્ટ અંદર જતાં અને બહાર નિકળતાં મુસાફરોને નજીવા વરસાદમાં જલભરાવનો સામનો કરવો પડી રહ્યો છે. ગત બુધવારે એકદમ સામાન્ય વરસાદમાં મોઢેરા ચોકડીથી બીકે રોડ તરફ જતાં આવતા બસપોર્ટના ગેટથી અંદર આવતાં મુસાફરો, દુકાનદારો, ગ્રાહકો અને મુલાકાતીઓને મચ્છરોના ઉપદ્રવને વેઠવુ પડે તેવી નોબત બની છે. આગામી દિવસોમાં વરસાદની સિઝન શરૂ થશે ત્યારે કેટલાહદે પાણી ભરાશે તે સવાલ ચોંકાવી રહ્યો છે. આ બાબતે ડીવીઝનના એન્જિનિયરને પૂછતાં જણાવ્યું કે, હબટાઉન કંપનીની જવાબદારી છે એટલે સુચના આપીએ છીએ, વધુમાં શું કહ્યું તે પણ વાંચો આગળ.

મહેસાણા મહાનગરપાલિકા બની ગઈ છે ત્યારે એસટી વિભાગની અબજો રૂપિયાથી કિંમતી જમીન મોઢેરા ચોકડી પાસે આવેલી તેના ઉપર વર્ષો પહેલાં પીપીપી ધોરણે બસપોર્ટ, નિગમની વહીવટી ઓફિસ અને અનેક નાની મોટી દુકાનો બની છે. આટલુ જ નહિ, હજુપણ અનેક દુકાનો હબટાઉન મહેસાણા દ્વારા વિકસાવવામાં આવી રહી છે. કરોડોની કિંમતનુ આ વાણિજ્યિક સંકુલ અને બસપોર્ટ ખૂબ સુંદર બનાવી દીધું પરંતુ બસસ્ટેન્ડના પાછળના ભાગે નજીવા વરસાદમાં પાણીનો ભરાવો કેમ થઈ રહ્યો તે સૌથી મોટો સવાલ છે. બસ સ્ટેન્ડની અંદર આવતાં અને બહાર નિકળતાં વાણિજ્યિક સંકુલ તરફના ભાગે બુધવારે રાત્રે પડેલા સામાન્ય વરસાદમાં પાણી ભરાઇ ગયું છે. હવે જો હબટાઉન કે એસટી નિગમ અત્યારથી આ બાબતે યોગ્ય નિકાલ લાવે તો સુચારુ બને પરંતુ જો પાણી નિકાલની વ્યવસ્થા નહિ થાય તો અનેક દુકાનોના વેચાણથી કરોડોનો વેપાર કરનાર હબટાઉનને સવાલ કેમ નહિ? આ બાબતે મહેસાણા એસટી ડિવિઝનના એન્જિનિયર સુધીરભાઇએ શું કહ્યું વાંચો નીચેના ફકરામાં.

સુધીર ત્રિવેદીએ જણાવ્યું કે, સૌપ્રથમ જાણવું પડશે કે મહાનગરપાલિકાના ગટર વ્યવસ્થામા જોડાણ છે કે કેમ? જોડાણ છતાં પાણી ભરાય તો મહાનગરપાલિકાને ધ્યાને મૂકવું પડે અન્યથા હબટાઉનના મેનેજરને સુચના આપી હાલ તાત્કાલિક ધોરણે પાણી નિકાલની વ્યવસ્થા કરાવી આગળની કામગીરી હાથ ધરવામાં આવશે.