અસર@રાધનપુર: મોટાં ગજાના બુટલેગરે 4.90 લાખનો દારૂ રવાના કર્યો, મહેસાણા પોલીસે ઝડપી ગુનો દાખલ કર્યોં
Mehsana police raid

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

મહેસાણા પોલીસે આજે ખૂબ મોટી કાર્યવાહી કરી હોવાનું સામે આવ્યું છે. રાધનપુર પંથકમાં નામચીન અને મોટાં ગજાના બુટલેગરે કાળો કારોબાર છેક મહેસાણા સુધી વિસ્તાર્યો હોવાનું કાર્યવાહી બાદ સામે આવ્યું છે. રાધનપુરથી 4 લાખથી વધુ દારૂ રવાના કરી ગેરકાયદે પૈસા રળવા જવાનો મનસૂબો એલસીબીની કાર્યવાહીથી નાશ પામ્યો છે. મહેસાણા એલસીબીને બાતમી મળતાં બાયપાસ હાઇવે પર વોચ ગોઠવતાં નંબર વગરના પીકઅપ ડાલામાં દારૂની હેરફેર પકડાઇ ગઈ છે. ચાલકને પકડી પૂછપરછ કરતાં રાધનપુરના મામા ભાણાએ મહેસાણા પંથકમાં દારૂ મોકલવા ડાલામાં ભરાવ્યો હોવાનું ફરિયાદ આધારે સામે આવ્યું છે.
Prohibition activities
પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં અને આસપાસના પંથકમાં ગેરકાયદે દારૂનું વેચાણ થતું હોવાનું અવારનવાર સામે આવતું રહ્યું છે. જેમાં કેટલાક મહિના અગાઉ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પણ રાધનપુરના બુટલેગર સામે કાર્યવાહી કરવામાં આવી હતી. હવે આ બુટલેગરે ભાણાના સાથસહકારથી દારૂનો ધંધો વધુ વિકસાવવા ઓર્ડર મેળવી છેક મહેસાણા સુધી માલ રવાના કરવા કામ લીધું હતું. જેની બાતમી મહેસાણા એલસીબીને થતાં પીએસઆઈ એસ.બી ઝાલા પોતાની ટીમે સાથે મોટપ ચોકડી પાસે વોચમાં ગોઠવાયા હતા. જ્યાં મળેલી હકીકત મુજબ સફેદ કલરનું અને નંબર વગરનું પીકઅપ ડાલુ આવતાં થોભાવી તપાસ કરતાં દારૂની બોટલો મોટી સંખ્યામાં મળી આવી હતી. મહેસાણા એલસીબીએ પીકઅપ ડાલાના ડ્રાઈવરની પૂછપરછ કરતાં ચોંકાવનારી વિગતો મળી આવી હતી. જેમાં ભાભર પંથકના રહેવાસી એવા આ ડ્રાઈવર કેવળજી મણાજી ઠાકોરને પૂછતાં રાધનપુરના સુરેશ રામજી ઠક્કર અને જયેશ ઉર્ફે ભાણો હરગોવિંદ ઠક્કર નામના ઈસમોએ દારૂ ભરાવ્યો હતો. આ 4.90 લાખનો દારૂ વારાહીના લાલા ઠાકોરના પીકઅપ ડાલામાં ભરી મહેસાણા પંથકના પટેલ મયુર રમેશભાઈને આપવાનો હતો. 
સૂત્રોએ જણાવ્યું હતું કે, મહેસાણા એલસીબી પોલીસે સંયુક્ત રાહે હકીકત મળતાં બાયપાસ હાઇવે ઉપર તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં છેક રાધનપુરથી મોટી સંખ્યામાં દારૂ મોકલી વેચાણ થાય તે પહેલાં પકડી લેવામાં સફળતા મેળવી છે. પોલીસે આ દરમ્યાન પીકઅપ ડાલાના ચાલક ઠાકોર કેવળજીને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ડ્રાઈવર સહિત સુરેશ ઠક્કર, જયેશ ઠક્કર (બંને રહે. રાધનપુર) અને દારૂ મંગાવનાર પટેલ મયુર વિરુદ્ધ મોઢેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.