ગંભીર@મહેસાણા: સમૃદ્ધ વિસ્તારના રહીશોને લીધા બાનમાં? રોડ કોન્ટ્રાક્ટરની મનમાનીથી સોસાયટી ત્રાહિમામ

 
File photo
સોસાયટીના આગેવાનોની પણ ઐસીતૈસી કરતો આપખુદ, મનસ્વી વલણનો કોન્ટ્રાક્ટર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

મહેસાણા પાલિકામાંથી ભલે મ્યુનિસિપલ કોર્પોરેશન બની ગયું પરંતુ અધિકારીઓ અને નેતાઓને ફરક પડ્યો તેવો રહીશોને પડ્યો છે? કોર્પોરેશનના ચોપડે સમૃદ્ધ ગણાતાં વિસ્તારની સોસાયટીઓમાં છેલ્લા કેટલાક દિવસોથી રોડ કોન્ટ્રાક્ટરની મનમાની જાણે દાદાગીરીમાં પરિવર્તિત થઈ હોય તેવી સ્થિતિ બનવા તરફ છે. સોસાયટીમાં અંદરના ભાગના રોડ રિપેરિંગમા કોન્ટ્રાક્ટરે એટલા હદે ત્રાસ ઉભો કર્યો કે, રહીશો રીતસર કંટાળીને આપખુદશાહી સહન કરવા મજબૂર બન્યા છે. આટલુ જ નહિ, આ કોન્ટ્રાક્ટર સોસાયટીના જાગૃત આગેવાનો/કારોબારી સભ્યોને પણ ઉઠા ભણાવી ગેરમાર્ગે દોરી રહ્યો છે ત્યારે 500થી વધુ લોકોની હાલત ચિંતાજનક બની છે. જાણીએ સમગ્ર અહેવાલ.

મહેસાણા મહાનગરપાલિકા હદ વિસ્તારની અને શહેરના મધ્ય ભાગમાં આવેલી સોસાયટીમાં ચોમાસા પહેલા દશા ફરવાની શરૂઆત થઈ હતી. મોઢેરા ચોકડી પાસેની નિલકંઠ કો-ઓપરેટીવ સોસાયટીના અંદરના ભાગમાં રોડ રિપેરિંગ માટે શહેરી વિકાસ વિભાગ હેઠળની કચેરીએ કોન્ટ્રાક્ટરને ઠેકો આપ્યો છે. આ કામગીરી ગણતરીના દિવસોમાં પૂર્ણ થઈ શકતી હોવા છતાં કોન્ટ્રાક્ટરે ઈરાદાપૂર્વક રહીશોને હાલાકી થાય તેવી બેદરકારી સર્જી છે. સોસાયટીના પ્રથમ ગેટ ઉપર જ રેતી કપચીનો મહાકાય ઢગલો કરી આખો રસ્તો જ બ્લોક કરી દીધો, આટલુ જ નહિ ઈરાદાપૂર્વક કામમાં વિલંબ કરી છેલ્લા કેટલાય દિવસોથી પ્રથમ ગેટ ઉપરથી રેતી કપચીનો સામાન દૂર નહિ કરી રહીશોને જાણે બીજા રસ્તે વાળ્યા છે. આ સમગ્ર મામલે સોસાયટીના રહીશોએ અવારનવાર પ્રમુખ મંત્રીને રજૂઆત કરી પરંતુ કોન્ટ્રાક્ટર સોસાયટીના આગેવાનોને પણ ગણકારતો નથી. વાંચો નીચેના ફકરામાં.

સૂત્રોએ જણાવ્યું હતું, મહેસાણા મહાનગરપાલિકાની આ સોસાયટી પોશ વિસ્તારમાં ગણાય છે અને અત્યંત જાગૃત અને નોકરિયાત વર્ગના રહીશો છતાં કોન્ટ્રાક્ટરની આવી દાદાગીરીથી ગંભીર સવાલો ઉભા થઇ રહ્યા છે. આ બાબતે રહીશોએ મ્યુનિસિપલ કમિશ્નર સહિતનાને રજૂઆત કરવા પ્રયત્નો કર્યા પરંતુ કમિશ્નર મેડમે ફોન ઉપાડ્યો ના હતો. આ બાબતે જો કોન્ટ્રાક્ટરની દાદાગીરી દૂર નહિ થાય તો સોસાયટીના રહીશોએ કોર્પોરેશન રજૂઆત કરી ધોરણસરની પ્રક્રિયા કરવા કવાયત હાથ ધરી છે. આટલુ જ નહિ, સોસાયટીના રહીશોને ખાનગી કોન્ટ્રાક્ટર ઈરાદાપૂર્વક પરેશાની ઉભી કરે તો પોલીસ સ્ટેશને રજૂઆત કરવા પણ તૈયારી કરી છે.