અપડેટ@ગુજરાત: પાટણ-મહેસાણા સહિત આ જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી

 
Monsoon

અટલ સમાચાર, ડેસ્ક

એપ્રિલ મહિનામાં સામાન્ય રીતે કાળઝાળ ગરમી પડે છે ત્યારે આ વખતે તાપ અને હિટવેવની જગ્યાએ માવઠાનો માર લોકોને પલાડી રહ્યો છે. હવામાન વિભાગે બીજી મે સુધી રાજ્યમાં માવઠાની આગાહી કરી છે. ત્યારે આજે સવારથી જ અમદાવાદના અનેક શહેરોમાં ધોધમાર કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જ્યારે આજે રાજ્યનાં મોટાભાગના વિસ્તારોમાં માવઠાની આગાહી છે. જેના કારણે ખેડૂતોની ચિંતામાં ભારે વધારો થયો છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે, શનિવારે 29મીએ અમદાવાદ, ગાંધીનગર સહિત કચ્છ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, દાહોદ, વડોદરા, ભરૂચ, સુરતમાં હળવાથી મધ્યમ કે ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 30મી એપ્રિલે એટલે રવિવારે રાજ્યના કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વરસાદ સાથે ભેજવાળા પવનો રહેવાથી ગરમીનું જોર ઘટશે. જ્યારે આગામી દિવસોમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાનમાં ઘટાડો થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, શુક્રવારે પણ અમદાવાદ,પાટણ, બનાસકાંઠા, મહેસાણા, રાજકોટ અને કચ્છ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. આ જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે પવન અને કરાં સાથે વરસાદ વરસતાં ખેડૂતોની ચિંતામાં ફરી એકવાર વધારો થયો છે. તો બીજી તરફ ભરઉનાળે વરસાદની સાથે વીજળી પડવાના કારણે રાણકી વાવ જોવા આવેલા એક પ્રવાસીનું મોત નિપજ્યું હતું.