અપડેટ@આણંદ: મહી નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું, કડાણા ડેમ 12 કલાકમાં ભરાયો, 22 ગામોને એલર્ટ

 
Mahisagar

અટલ સમાચાર, ડેસ્ક

આણંદમાં મહી નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે. મહીસાગર નદીકાંઠાના 22 ગામોને એલર્ટ અપાયું છે. ઉપરવાસમાં ભારે વરસાદ કડાણા ડેમ ઓવરફ્લો થયો છે. ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડતા મહી ગાંડીતૂર બની છે. આંકલાવનું બામણગામ, ગંભીરા ગામ બેટમાં ફેરવાયું છે. અનેક લોકો ફસાતા SDRFની ટીમો તૈનાત કરાઈ છે. SDRFની ટીમે 24 લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે. કેટલાય ગામોમાં ગાય-ભેંસ-બકરાં સહિત પશુ તણાયા છે. અધિકારીઓ ફરજ પર સતર્ક રહેવા સુચના અપાઈ છે.

મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં વરસી રહેલા સતત ભારે વરસાદના કારણે કડાણા ડેમમાં સતત ધરખમ પાણીની આવક નોંધાઈ રહી છે. કડાણા ડેમમાંથી 7.50 લાખ ક્યુસેક પાણી છોડતા મહી નદી ગાંડીતૂર બની છે. કિનારે આવેલાં 22 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મહી નદી જે જિલ્લાઓમાંથી વહે છે તેવા જિલ્લા પંચમહાલ ખેડા, આણંદ અને વડોદરા જિલ્લાના કાંઠા વિસ્તારનાં ગામોને પણ એલર્ટ કરાયાં છે. હાલ તંત્ર એલર્ટ મોડમાં છે અને તમામ તકેદારીના પગલાં લેવા માટે સજ્જ છે. ઉમરેઠ, આણંદ ગ્રામ્ય, બોરસદ અને આંકલાવનાં મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ તલાટીઓને ફરજ પર સતર્ક રહેવા સૂચના અપાઈ છે.

મહીસાગરમાં કડાણા ડેમ માત્ર 12 કલાકમાં ભરાયો છે. 50 વર્ષમાં પહેલીવાર માત્ર 12 કલાકમાં ડેમ ફુલ થયો છે. હાલ કડાણા ડેમમાં ઉપરવાસમાંથી 2 લાખ ક્યુસેક આવક છે, જ્યારે ડેમમાંથી 1.50 લાખ ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. કડાણા ડેમના 6 ગેટ ખોલી મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં જીવાદોરી સમાન કડાણા ડેમ ભરાઈ ગયો છે. કડાણા ડેમમાંથી 9 જિલ્લાઓને પીવાનું તેમજ સિંચાઇ માટે પાણી પૂરું પાડે છે.

ખેડામાં ગળતેશ્વર બ્રિજ પર પાણી ફરી વળતાં બ્રિજ બંધ કરાયો છે. ખેડા, વડોદરાને જોડતો બ્રિજ પર પાણી ફરી વળ્યા છે. કાંઠા પરનું મહીસાગર માતાજીનું મંદિર પાણીમાં ગરકાવ થયું છે. જ્યારે ઠાસરાના 14 ગામમાં એલર્ટ અપાયું છે. હાલમાં 14 ગામની શાળાઓમાં રજા જાહેર કરાઈ છે. મહીસાગરમાં પાણી છોડાતા આણંદમાં મહી નદી બે કાંઠે વહી રહી છે. ગંભીરા ગામના નીચાણવાળા વિસ્તારમાં મહી નદીના પાણી ફરી વળ્યા છે. આંકલાવ તાલુકાનું ગંભીરા ગામ બેટમાં ફેરવાયું છે. ઘરોમાં પાણી ભરાતા લોકોનાં જીવ તાડવે ચોંટ્યા છે. ગામમાં અચાનક પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી છે. મોડી રાત્રે 17 લોકોનું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.