મહીસાગર: બીજેપી નેતાઓ અને કાર્યકરો દારૂ પીને છાકટા બન્યા હોવાનો બનાવ સામે આવ્યો
દારૂ

અટલ સમાચાર, ડેસ્ક

બાકોરના સુંદરવનખાતે બીજેપી નેતાઓ અને કાર્યકરો દારૂ પીને છાકટા બન્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. દારૂ પાર્ટી બાદ તમામ કાર્યકરો ડી.જે.ના તાલે ઝૂમ્યા હતા. આ કાર્યક્રમમાં બીજેપીના ધારાસભ્ય જિગ્નેશ સેવકે પણ હાજરી આપી હતી. જોકે, ધારાસભ્ય તરફથી એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે, તેઓ નીકળી ગયા બાદ આ પાર્ટી યોજાઈ હતી. તેમની હાજરીમાં દારૂ પાર્ટી થઈ નથી.


મળતી માહિતી પ્રમાણે બાકોર ગામ ખાતે વન વિભાગનું સુંદરવન આવેલું છે. અહીં સ્વિમિંગ પુલ પણ આવેલો છે. રવિવારે અહીં ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. અહીં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં લુણાવડા બેઠકના ધારાસભ્ય જિગ્નેશ સેવક પણ હાજર હતા. બેઠક પૂર્ણ થયા બાદ અહીં જમવાનો પણ કાર્યક્રમ હતો.

 અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો
કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ધારાસભ્ય નીકળી ગયા હતા. બાદમાં ભાજપના કાર્યકરોએ દારૂ પાર્ટી કરી હતી અને છાકટા બનીને ડીજેના તાલે ઝૂમ્યા હતા. તમામ કાર્યકરો અને નેતાઓ ડીજેના તાલે ઝૂમ્યા હોય તેવું વીડિયોમાં પણ સ્પષ્ટ જોઈ શકાય છે.પ્રાથમિક તપાસમાં એવી માહિતી મળી છે કે આગામી વિધાસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં ચૂંટણીને લઈને ચર્ચાઓ થઈ હતી. બેઠક પૂર્ણ થયા બાદ ધારાસભ્ય નીકળી ગયા હતા. જે બાદમાં દારૂ પાર્ટીનું આયોજન થયું હોવાનું જાણવા મળ્યું છે.

આ મામલે ધારાસભ્ય જિગ્નેશ સેવકે ખુલાસો કર્યો છે કે, "હું ધારાસભ્ય હોવાથી લોકો બોલાવતા હોય છે. અમુક જગ્યાએ અમે આમંત્રણ સ્વીકારીને મુલાકાતે જતા હોઈએ છીએ. એ જ રીતે હું પણ ત્યાં ગયો હતો. હું ગયો ત્યારે ત્યાં આવું કંઈ જોવા મળ્યું ન હતું. વીડિયોમાં દેખાઈ રહેલા લોકો મારું અને પક્ષનું ખરાબ દેખાય તે માટે ઈરાદાપૂર્વક આવું કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. અમે આ મામલે તપાસ કરી રહ્યા છીએ. મને સવારે જ આ અંગેની જાણ થઈ છે. ચૂંટણીની તૈયારીના ભાગરૂપે આ બેઠક થઈ ન હતી. વીડિયોમાં દેખાતા લોકો બીજેપીના કાર્યકરો નથી. હું જન્મ દિવસની શુભેચ્છા આપવા માટે ગયો હતો."