રેઈડ@લુણાવાડા: જિલ્લા શિક્ષણની કચેરીમાં ત્રાટકી એસીબી, 20હજારની લાંચ લેતાં અધિકારી ઝડપાયા

શિક્ષણાધિકારી જાહેરમાં પ્રામાણિકની વાતો કરતાં અને લાગ મળે ત્યારે ટેબલ નીચેથી કટકી કરી લેતાં 
 
મહીસાગર જિલ્લા ફાઇલ ફોટો
અટલ સમાચાર ડોટ કોમ, લુણાવાડા
શિક્ષણનું જ્ઞાન આપતાં અને શિક્ષકોના પણ વડા કેટલા ઉચ્ચ ગુણવત્તા વાળા હોવા જોઈએ એવા માણસો હવે શોધવા પડશે. ખુદ જિલ્લા શિક્ષણાધિકારી પોતાની મૂળ ફરજ નિભાવવામાં પણ રૂપિયા માંગે એ કેટલા હદે ગણી શકાય. મહીસાગર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં એસીબી ત્રાટકી હોવાના સમાચાર આવ્યા ત્યારે ખળભળાટ મચી ગયો હતો. એમાં પણ ખુદ શિક્ષણાધિકારી મોદી 20 હજારની લાંચ લેતાં રંગેહાથ ઝડપાઈ ગયા હોવાનું સામે આવતાં દોડધામ મચી ગઇ છે. એસીબીની સફળ રેઈડને પગલે મહીસાગર જિલ્લા અધિકારી આલમમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. જાણીએ સમગ્ર અહેવાલ....
મહીસાગર જિલ્લામાં શિક્ષણ બાબતે રૂપિયાનો ખેલ ચાલતો હશે તે સંભાવના ઉપર ખુદ સરકારે કરેલી કાર્યવાહીથી વિશ્વાસ ઉભો થયો છે. મહીસાગર જિલ્લાના નાની સરસણ ખાતે આવેલી ભોમાનંદ વિદ્યાલયની સ્કુલમાં નવી નિમણુંકથી શિક્ષિકા શ્ર્વેતા ચૌધરીની નિયુક્તિ પ્રક્રિયા થઈ હતી. આ દરમ્યાન શિક્ષિકા હાજર થતાં તેમનાં એમ્પલોઇ નંબર માટે મહીસાગર જીલ્લા શિક્ષણાધિકારીની કચેરીની જવાબદારી હોઇ તેમના દ્વારા કાર્યવાહી થવાની હતી. આ માટે શિક્ષિકાએ વિગતો મોકલી આપી પરંતુ હાજર થયેલ શિક્ષિકાને એમ્પલોઇ નંબર ફાળવવામાં આવ્યો નહોતો. એમ્પ્લોઇઝ નંબર માટે મહીસાગર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે શ્વેતા ચૌધરીના એમ્પલોઇ નંબર બાબતે ખાત્રી કરવા વિદ્યાલય સંબંધિત વ્યક્તિ ત્યાં ગયા હતા. જોકે જિલ્લા શિક્ષણાધિકારી મોદીએ એમ્પલોઇ નંબરની પ્રોસેસ કરવા રૂ.20,000ની માંગણી કરી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે, કાયદેસરની સરકારી કામગીરી કરવાની છતાં જિલ્લા શિક્ષણાધિકારીએ રૂપિયાની માંગણી કરતાં સદર વિદ્યાલયવાળા ચોંકી ગયા હતા. જોકે આ લાંચ બાબતે શિક્ષિકા શ્વેતા ચૌધરી રૂપિયા આપવા માંગતા ના હોઇ એસીબીનો સંપર્ક કર્યો હતો. સમગ્ર મામલે એ.સી.બી. પોલીસ સ્ટેશન લુણાવાડા ખાતે ફરીયાદ રજૂ થતાં આજે લાંચના છટકાનુ આયોજન થયું હતું. મહીસાગર જિલ્લા શિક્ષણાધિકારી પ્રકાશ નટવરલાલ મોદી, જીલ્લા શિક્ષણાધિકારી (મુળ રહે.વેદકુટીર રેસીડેન્સી,નવા નરોડા, અમદાવાદ અને હાલ. નાના સોનેલા, તા-લુણાવાડા, જી. મહીસાગર) વાળાએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ.20,000ની લાંચની માંગણી કરી હતી.
આ દરમ્યાન લાંચના રૂપિયા 20હજાર લેતાં જિલ્લા શિક્ષણાધિકારી પ્રકાશ મોદી રંગેહાથ ઝડપાઇ ગયા હતા. આ પછી એસીબી પોલીસે આરોપી મોદીને ડીટેઈન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ટ્રેપમાં ટ્રેપીંગ અધિકારી તરીકે એમ.એમ.તેજોત,પોલીસ ઇન્સ્પેક્ટર અને માર્ગદર્શક તરીકે બી.એમ.પટેલ, મ.નિ.શ્રી, એ.સી.બી.પંચમહાલ એકમ, ગોધરાનો સહયોગ રહ્યો હતો.