રિપોર્ટ@સંતરામપુર: સભ્યોની ગ્રાન્ટ ઘટી, પ્રમુખની વધી? આવું કેમ શક્ય બને, સચ્ચાઈ કેમ બહાર નથી આવતી

 
Santrampur

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

સંતરામપુર તાલુકામાં નાણાંપચનાં કામોની વહીવટી મંજૂરી બાબતે ચોંકાવનારી ચર્ચાએ પંથકમાં જોર પકડ્યું છે. સભ્યો અને પ્રમુખને મળતી 20% નાણાંપંચની ગ્રાન્ટ બાબતે 2 વર્ષમાં ફેરફાર આવ્યો હોવાની બૂમરાણ છે. જેમાં જો ઘટાડો થાય તો સભ્યો સાથે પ્રમુખને પણ ઘટાડો લાગુ પડે. જોકે સત્તાધિન સભ્યોમાં જ ગણગણાટ છે કે, પ્રમુખને હદ બહારની વહીવટી મળી અને સભ્યોને સાવ નજીવી વહીવટી મંજૂરી મળી છે. આ વાતની સચ્ચાઈ બહાર આવવી ખૂબ જરૂરી પરંતુ ઈરાદાપૂર્વક માહિતી બહાર જવા દેવાતી નથી. જાણીએ વહીવટીના વહીવટ પાછળની નાણાંકીય રાજનીતિનો રિપોર્ટ.....

મહીસાગર જિલ્લાની સંતરામપુર તાલુકા પંચાયત પ્રત્યે તમામ ગામો એક મોટી આશા રાખી રહ્યા કે, બધા જ સરપંચોને એકસરખી રીતે જોવામાં આવે એટલે કે, ગ્રાન્ટમાં કોઈ ભેદભાવ થાય નહિ. હવે જાણીએ કે, શું નાણાંપંચની ગ્રાન્ટ ફાળવણીમાં ગામો પ્રત્યે કે તાલુકા પંચાયતના સભ્યો સાથે હકીકતમાં ભેદભાવ થાય છે ❓ આ સવાલનો જવાબ એટલા માટે શોધવો જરૂરી છે કે, સત્તાધિન પાર્ટીના જ સભ્યો અને જિલ્લા કક્ષાના આગેવાનોમાં જબરજસ્ત ગણગણાટ છે કે, સભ્યોને મળતી 20 ટકા નાણાંપંચની વહીવટી મંજૂરી એક વર્ષની સરખામણીએ બીજા વર્ષે ઘટી છે. જ્યારે બીજી તરફ પ્રમુખને 20 ટકા નાણાંપંચની અધધધધ્...... વહીવટી મંજૂરી અપાઇ છે. શું આવું હકીકતમાં થયું હશે ? જો થયું હોય તો કેવી રીતે અને કોણે આવું કર્યું હશે ? આ સવાલોના જવાબ શોધવા ટીડીઓ અને પ્રમુખનો સંપર્ક કરતાં ફોન ઉપર કોઈ જ માહિતી આપવા ઈન્કાર કર્યો હતો. વિકાસના કામોની માહિતી ક્યારેય છૂપી રખાય નહી અથવા ફોન ઉપર કહેવામાં આવે તો પણ એ માહિતી સાર્વજનિક છે. આવી સ્થિતિમાં 20 ટકા નાણાંપંચની વહીવટી મંજૂરીની હકીકત કેમ સામે ચાલીને જાહેર કરવામાં નથી આવતી?

સૂત્રોએ જણાવ્યું હતું કે, સંતરામપુર તાલુકા પંચાયતમાં નાણાંપંચની વહીવટી મંજૂરી બાબતે એકમાત્ર સભ્યોમાં જ ગણગણાટ નથી, અમુક ગામોમાં ખૂબ જ વધારે ગ્રાન્ટ પહોંચે અને અમુક ગામોમાં ખૂબ ઓછી એ પણ મોટો સવાલ છે. આનાથી વધુ ગંભીર સવાલો એ પણ સામે આવી રહ્યા છે કે, પ્રમુખના સુચનથી જે ગામોમાં 20 ટકા નાણાંપંચની વહીવટી મંજૂરી છે ત્યાં કામોની તપાસ કરવામાં આવે તો ચોંકાવનારો ખુલાસો થાય તો નવાઇ નહિ. આવી સ્થિતિમાં સંતરામપુર તાલુકામાં નાણાંપચનાં કામોની પારદર્શક તપાસ ખૂબ જરૂરી હોવાની લોકમાંગ ઉઠવા પામી છે.