કાર્યવાહી@રાજકોટ: જાહેર રસ્તા પર રીલ્સ બનાવવી ભારે પડી, ફિટનેસ ટ્રેનર સામે ફરિયાદ
અટલ સમાચાર, ડેસ્ક
રાજકોટમાં ચાલુ વરસાદમાં એક યુવતીને રીલ્સ બનાવવાનું ભારે પડી ગયું છે. રાજકોટના માલવીયા નગર પોલીસે IPC 283 મુજબ ગુન્હો દાખલ કર્યો છે. રીલ્સ બનાવનાર દીના પરમાર દ્વારા જાહેર રોડ પર રીલ્સ બનાવવામાં આવી હતી. 18 સપ્ટેમ્બરે સવારે 9:00 વાગ્યાની આસપાસ રસ્તા પર ચાલુ વરસાદમાં દીના પરમાર રીલ્સ બનાવતી જોવા મળી હતી.
દીના પરમારે ટ્રાફિકને અડચણ થાય તે પ્રકારે આ રીલ્સ બનાવી હતી. ફિટનેસ ટ્રેનરના રીલ્સ બનાવવા દરમિયાન ત્યાંથી પ્રસાર થતાં વાહનો પણ થોડી વાર માટે રોકાઇ ગયા હતા. ફરિયાદ થયા પછી રીલ્સ બનાવનાર યુવતીએ એક બીજો વીડિયો શેર કરીને માફી માંગી હતી. યુવતીએ કહ્યું કે, પોતે ટ્રાફિક નિયમનું પાલન કરે છે અને માફી માંગે છે.
રાજકોટના અમીન માર્ગ પરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં એક યુવતી રસ્તા પર રીલ્સ બનાવતી જોવા મળતી હતી. આ યુવતી ફિટનેસ ટ્રેનર હોવાનું સામે આવ્યું હતું અને ટ્રાફિકને અડચણ રૂપ રીલ્સ બનાવતા ફરિયાદ નોંધવામાં આવી હતી.