ઘટના@વડોદરા: પેટ્રોલ પંપ પર સિગારેટ પીવાની ના પાડતા ઇસમોએ મેનેજરને માર માર્યો, પોલીસ ફરિયાદ નોંધાઈ
અટલ સમાચાર, ડેસ્ક
વડોદરાના માંજલપુર વિસ્તારમાં નાયરા પેટ્રોલ પેટ્રોલ પંપ ઉપર સિગારેટ પીવાની ના પાડતા થાર કારના ચાલક સહિતના શખ્સોએ મેનેજરને જાહેરમાં માર માર્યો હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. મેનેજરે આ મામલે માંજલપુર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી પ્રમાણે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારના ઇવા મોલ સામે આવેલા નાયરા પેટ્રોલ પંપ પર શુક્રવારે રાત્રે લુખ્ખા તત્વોએ આતંક મચાવ્યો હતો. થાર ગાડી લઈને પેટ્રોલ પુરાવા આવેલા શખ્સને પેટ્રોલ પંપના કર્મચારીએ સિગારેટ પીવાની ના પાડી હતી. જે બાદ કારચાલક સિગારેટ પીવાની ના પાડતા બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. એટલું જ નહીં ફોન કરી પાંચથી વધુ લોકોને પેટ્રોલપંપ પર બોલાવી મેનેજર પર હુમલો કરી દીધો હતો અને મૂઢ માર માર્યો હતો. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. નાયરા પેટ્રોલ પંપના મેનેજર હરવિજયસિંહ ગોહિલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં હેમંત ઉર્ફે રાજ, રોશન અભિષેક અને મહાવીર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.