કાર્યવાહી@સુરેન્દ્રનગર: કાર્બોસેલની ખાણમાં મજૂરોના મોત મામલે 5 ખનિજ માફિયાઓ સામે માનવવધનો ગુન્હો દાખલ

અટલ સમાચાર, ડેસ્કસુરેન્દ્રનગરના ખંપાળિયા ગામે કાર્બોસેલની ખાણમાં થયેલી દુર્ઘટનામાં મજૂરોના મોત મામલે 5 ખનિજ માફિયા સામે મનુષ્યવધ જેવી ગંભીર કલમો સાથે ગુનો દાખલ થયો છે. મુળી તાલુકાના નરેન્દ્ર મોદી વિચાર મંચના અધ્યક્ષ અને ભાજપના કાર્યકર શામજી ઝેઝરીયા સામે પણ ગુનો દાખલ કરાયો છે. આ સિવાય જનક પરમાર, કિશોર બાવળિયા, દેવસીભાઈ અને દિનેશભાઈ સામે પણ ગુનો દાખલ કરાયો છે. તમામ સામે આઈપીસીની કલમ 304, 337, 338 અને એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરાયો છે.
મહત્વનું છે કે, મૃત્ય પામેલા મજૂરોનો પીએમ કરાવ્યાં વગર દાહોદ મોકલી દેવાયા હોવાનો એક ઓડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જે બાદ ખનિજ માફિયાઓએ મજુરોની લાશો સગેવગે કરી અંતિમ સંસ્કાર કરાવી નાખ્યા હોવાનો તપાસમાં ઘટસ્ફોટ થયો છે. ખાણમાં ભેખડ ધસી પડતા દાહોદથી આવેલા 3 મજૂરોના મોત થયા હતા અને ખનીજ માફિયયાઓએ આ મામલે ભીનું સંકેલવાના બનતા પ્રયાસો કર્યાં પરંતુ જીએસટીવીએ મજૂર પરિવારની લાગણીને વાંચા આપ્યાં બાદ તપાસના કડક આદેશ અપાયા હતા.
વિગતો મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી પંથકના ખંપાળિયા ગામે ગેરકાયદેસર ચાલતી કાર્બોસેલની ખાણમાં અચાનક દુર્ઘટના સર્જાય હતી જેમાં આ ખાણમાં કામ કરતાં ચાર મજૂરો દટાઈ ગયા હતા અને ચાર મજૂરોના મોત નીપજ્યા હતા. જોકે સવાલ એ છે કે, આ ખનીજ માફિયાઓ કોની કૃપા દ્રષ્ટિ હેઠળ આ જમીનોમાં ખોદકામ કરી રહ્યા છે અને મોટી ખાણો ચલાવી રહ્યા છે? એક તરફ કાર્બોસેલ બહાર કાઢવા અને જમીનમાંથી ખોદકામ કરવા માટે કેન્દ્ર સરકારની પરમિશન લેવાની જરૂર હોય છે ત્યારે આવા ખનીજ માફીઆઓ સામાન્ય તંત્રની પણ પરમિશન નથી લેતા હોતા. કારણ કે તેમની પાછળ સરકારમાં બેઠલા કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને નેતાઓ પૂરો સહકાર હોઈ છે.