સર્ચ@બારીયા: મનરેગાની લાખોની અનેક એસેટ જંબુસરમાં શોધી મળતી નથી, આખેઆખા રોડ કોણ ખાઇ ગયું?

 
Jambusar

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

દેવગઢબારિયા તાલુકાના જંબુસર ગામમાં મનરેગાની અનેક એસેટ શોધખોળ અને સમીક્ષા માંગી રહી છે. મનરેગા હેઠળ લાખો કરોડોના ખર્ચે સરકારે ઉભી કરેલી વિવિધ પરિસંપત્તિ એટલે કે એસેટ અત્યારે ક્યાં છે તેવો ગંભીર સવાલ ગામમાં જ નહિ પરંતુ સમગ્ર પંથકમાં થઈ રહ્યો છે. વર્ષ 2019થી 2023 દરમ્યાન મનરેગાની ટીમે ચેકડેમ, રોડ રસ્તા, ગૃપ કૂવા અને કેટલસેડ સહિત અઢળક કામો કરી/બતાવી લાખો કરોડોનો ખર્ચ પાડ્યો છે. પાછલા ચાર પાંચ વર્ષમાં ઉભી કરેલી એસેટની યાદી આજે ઓનલાઇન ઉપર હાજર છે પરંતુ ગામમાં શોધખોળ કરવા છતાં મળી આવતી નથી તેવો ગંભીર સ્થિતિ સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. આખેઆખા રોડ કેવી રીતે ગામમાંથી ગાયબ થઈ શકે અથવા તો લાખોના ખર્ચે બનાવેલા રોડ શું માત્ર કાગળ ઉપર રહ્યા? આ તમામ સવાલોની ઉંડાણમાં જતાં સુનિયોજિત અને પ્લાનિંગથી કરેલ કટકીના કાંડનો બિહામણું દ્રશ્ય જોવા મળે છે. જાણીએ સમગ્ર અહેવાલ.

Jambusar

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના જંબુસર ગામમાં ખૂબ મોટી સંખ્યામાં ગત વર્ષોમાં મનરેગાના કામો થયા છે. રોડ રસ્તા, કૂવા, ચેકડેમ અને વ્યક્તિગત કેટલ સેડ સહિતના અનેક કામો પાછળ લાખો કરોડોનો ખર્ચ થઈ ચૂક્યો છે. હવે આટલા બધા કામો સિવાય નાણાંપંચ હેઠળ પણ અઢળક માર્ગ બન્યા છે. નાણાંપંચ અને મનરેગાના કાગળ ઉપર પૂર્ણ થયેલા રોડ જો ગામમાં અને આસપાસમાં જોવામાં આવે તો એકપણ શેરી, મહોલ્લા કે ફળિયા ધૂળિયા કે ગામ આસપાસના વિસ્તારોમાં રોડની કમી રહે નહિ. જોકે ગામનાં રોડની સમીક્ષા કરતાં અને સરકારે કરેલ રોડ પાછળના ખર્ચની યાદી જોતાં ચોંકાવનારો ઘટસ્ફોટ મળે છે. મનરેગાના રોડ ગામમાં શોધ્યા મલતા નથી તેવી પ્રાથમિક વિગતો સામે આવતાં ખળભળાટ અને ચકચાર મચી છે. અહીં આપણે જંબુસર ગામમાં કયા વર્ષમાં કેટલી અને કઇ એસેટ બનાવવામાં આવી તેની વિગતો પણ જોઈએ.

Jambusar

જંબુસર ગામમાં મનરેગા હેઠળ વર્ષ 2019થી 2023 સુધીમાં 31 સ્ટોનબંધ, વર્ષ 2020થી 2022 સુધીમાં 10 ચેકડેમ, વરષ 2020થી 2023 સુધીમાં 19થી વધુ રોડ, વર્ષ 2019થી 2022 સુધીમાં 18 ગૃપ કૂવા અને વર્ષ 2018થી 2023 સુધીમાં 190થી વધુ કેટલ સેડ સહિતના અનેક કામો પૂર્ણ થઈ ગયા હોવાનું મનરેગાના ઓનલાઇન રીપોર્ટમાં છે. હવે જ્યારે આ તમામ કામો જંબુસર ગામમાં કેમ પૂરતી સંખ્યામાં અને ગુણવત્તામાં મળી આવતાં નથી ? ગામમાં સૌથી મોટો કોલાહલ એ બની ગયો કે, આટલા બધા રોડ ગામમાં બન્યા છે તો ગામમાંથી ગાયબ કેમ ? આગામી ન્યૂઝ રિપોર્ટમાં હવે આપણે રોડના નામ, જગ્યા અને તેની ઓળખ મેળવી ઓનલાઇન રીપોર્ટ સામે ગ્રાઉન્ડ રિપોર્ટની ખરાઇ કરવાનો પ્રયત્ન કરીશું.

કેટલસેડ સૌથી મોટો ઘટસ્ફોટ કરી શકે ? 

જંબુસર ગામમાં રોડ કરતાં કેટલસેડ ચોંકાવનારો અને પગ તળેથી જમીન સરકી જાય તેવો ઘટસ્ફોટ કરી શકે તેવી વિગતો આવી રહી છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ, મનરેગાના ઓનલાઇન રીપોર્ટમાં નામજોગ જેટલા કેટલસેડ છે તેવા કેટલસેડ ખરેખર તમામ પરિવારોને ત્યાં નથી તેવી ચકચારી આશંકા વ્યક્ત કરાઈ રહી છે. આથી સામૂહિક ઉપયોગી રોડની સામે વ્યક્તિગત કેટલસેડની પારદર્શક ખરાઇ ચોંકાવનારો ઘટસ્ફોટ કરી શકે તેવી શક્યતા નકારી શકાય નહીં.