રાજનીતિ@ગુજરાત: લોકસભા પહેલા કોંગ્રેસમાં અનેક નેતાઓ નારાજ, કોણ-કોણ જોડાઈ શકે ભાજપમાં ?
અટલ સમાચાર, ડેસ્ક
લોકસભાની ચૂંટણી હજુ નજીક આવી નથી ત્યારે ગુજરાતમાં પક્ષપલટાની મૌસમ બરાબર જામીન છે. વિપક્ષમાં રહીને સરકારના વાંધા વચકા કાઢવાને બદલે સત્તાનો સ્વાદ માણવામાં ખોટુ શું? આ વિચારીને કોંગ્રેસના નેતા, પૂર્વ ધારાસભ્યો, કાર્યકરો કેસરિયો ખેસ પહેરવા પડાપડી કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર કોંગ્રેસના અનેક ધારાસભ્ય ભાજપમાં જોડાવાના હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. જોકે, અંતે કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ એક્સ પર પોસ્ટ કરતા કહ્યું કે અમે કોઇ પાર્ટીમાં જોડાવાના નથી. અર્જૂન મોઢવાડિયા, ગુલાબસિંહ રાજપૂત અને ગુલાબસિંહ ચૌહાણે સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર પોસ્ટ કરતા કહ્યું કે અમે કોંગ્રેસમાં જ છીએ, કોઇ પાર્ટીમાં જોડાવા નથી.એટલુ જ નહીં, સ્વ. અહેમદ પટેલ જૂથના અડધો ડઝન પૂર્વ કોંગ્રેસી ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું છે. આગામી વિધાનસભા સત્ર શરૂ થાય તે પહેલા કોંગ્રેસમાં મોટુ ભંગાણ થાય તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.
છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસ સત્તાથી દૂર રહી છે. વર્તમાન રાજકીય પરિસ્થિતિને જોતાં ગુજરાતમાં હજુ કોંગ્રેસ સત્તા પર આવે તેવુ કશુય દેખાતુ થી. આ વાસ્તવિકતા જાણીને કોંગ્રેસીઓએ પક્ષની વંડી ઠેકવાનું મન બનાવી લીધુ છે. વિપક્ષમાં રહીને ફિલ્ડીંગ ભરવી અને સરકાર સામે બાંયો ખેચવા કરતાં સત્તાનો સ્વાદ માણવામાં વધુ મજા છે. એ વાત હવે કોંગ્રેસીઓના મનમાં ઘર કરી રહી છે પરિણામે હાલ કોંગ્રેસીઓએ કમલમ તરફ દોટ માંડી છે. ગુજરાત કોંગ્રેસમાં શૈલેશ પરમાર (દાણીલીમડા), બાબુ વાજા (માંગરોળ), રઘુ દેસાઇ(રાધનપુર), અમરીશ ડેર (રાજુલા), ભીખાભાઇ જોશી (જૂનાગઢ), વિમલ ચુડાસમા (ગીર સોમનાથ), લલિત વસોયા (ધોરાજી) નારાજ હોવાનું સામે આવ્યું છે.