દોડધામ@વિજાપુર: કોલેજમાં પરિક્ષા દરમ્યાન સામૂહિક ચોરી અને નિરીક્ષકોને બંધકની સ્ટોરી કે હકીકત?

 
Vijapur Collage

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

મહેસાણા જિલ્લાના વિજાપુર ખાતેની સ્વામિનારાયણ સાયન્સ કોલેજ અને હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી વચ્ચે મોટો વિવાદ ઉભો થયો છે. સાયન્સ કોલેજમાં એમએસસીની પ્રેકીટકલ પરીક્ષા દરમિયાન ચેકીંગમાં ગયેલા હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના 3 પ્રોફેસરો મોટી કાર્યવાહી કરવાની તૈયારીમાં હતા. એકસાથે 11 છાત્રોને કથિત રીતે ચોરી કરતા પકડ્યાં હોવાની દલીલ બાબતે એક્શન લેવાની વાત હતી. જોકે કોપી કેસ નહિ કરવા કોલેજ દ્વારા દબાણ થયાનો અને અંતે નિરીક્ષકોને કોલેજની કેબીનમાં જ નજરકેદ કરી ડરાવવામાં આવ્યાનો ચોંકાવનારો આક્ષેપ થયો છે. આ કથિત ઘટનાક્રમ આટલે નથી અટકતો, નિરિક્ષકોએ સુરક્ષા માટે યુનિવર્સિટીનો સંપર્ક કરી રજીસ્ટર મારફતે સ્થાનિક પોલીસને કોલેજ બોલાવી બચાવ કર્યો હતો. 

મહેસાણા જિલ્લાની વિજાપુરમાં આવેલ સ્વામિનારાયણ સાયન્સ કોલેજમાં નિરિક્ષકોની સુરક્ષા માટે પોલીસ પહોંચી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ તરફ વિજાપુરની સાયન્સ કોલેજ દ્વારા જણાવવામાં આવ્યું કે, કોલેજને બદનામ કરવાનું કારસ્તાન ચાલી રહ્યું છે. જોકે પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના રજીસ્ટ્રારે જણાવ્યું હતુ કે, કોલેજની ભૂલ હશે તો આગામી સમયમાં પરીક્ષા માટે સેન્ટર ફાળવવામાં આવશે નહી અને સદર વિવાદની તપાસ બાદ ધોરણસરની કાર્યવાહી થશે.

HNGUના રજીસ્ટાર ચિરાગ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ગઈકાલે જે પરીક્ષા હતી તેમાં કોપી કેસની તપાસ બાબતે અધ્યાપકો ગયા હતા. આ દરમ્યાન પરિક્ષામાં શંકાસ્પદ ગતિવિધિ સામે સામૂહિક કોપી કેસ નહિ કરવા કોલેજ સંચાલકોનું દબાણ હોઈ શકે. ખુદ નિરિક્ષકોની રજૂઆતને સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. સમગ્ર મામલે આજે નિરિક્ષકોએ મારી પાસે રજુઆત કરી હતી. સમગ્ર મામલે લાગે છે કે, પરીક્ષામાં કોપી કેસ બાબતે આખો ઘટનાક્રમ થયો હશે. એમએસસીની પ્રેક્ટિકલ પરીક્ષા ચાલતી હતી એ દરમિયાન આગલા દિવસે પણ કોપી કેસની બાબત હતી જેથી બીજા દિવસે વિદ્યાર્થીઓને અલગ રૂમમાં બેસાડેલા અને અને અન્ય વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ પરીક્ષા પૂર્ણ થઈ હતી.