નુકશાન@ગુજરાત: રાજ્યમાં માવઠાનો માર, ક્યાંક રસ્તા પર તો ક્યાંક ખેતરોમાં પાણી ભરાયા

 
Monsoon

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં આજે વહેલી સવારથી ઠેક-ઠેકાણે હળવાથી ભારે વરસાદી માવઠા નોંધાયા છે. રાજ્યમાં આજે ઘણાં ભાગોમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિતના ભાગોમાં ભારે વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે ક્યાંક રસ્તાઓ પર પાણી ભરાવાની ઘટના બની તો ક્યાંક ખેડૂતોએ રડવાનો વારો આવ્યો છે. આવામાં માર્કેટ યાર્ડમાં પણ વરસાદના લીધે નુકસાન થયાની ચર્ચાઓ થઈ રહી છે.

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ વહેલી સવારે અને તે પછી પણ વરસાદી ઝાપટાં નોંધાયા હતા. વરસાદ થતા વાતાવરણ આહ્લાદક બની ગયું છે પરંતુ આ આહ્લાદક વાતાવરણ ખેડૂતોને રડાવી રહ્યું છે. સૌરાષ્ટ્રના ઘણાં જિલ્લાઓમાં કમોસમી વરસાદ થઈ રહ્યો છે, આવામાં દ્વારકામાં પણ વરસાદ થતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા. આગામી દિવસોમાં પણ સૌરાષ્ટ્રમાં વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, મહેસાણામાં પણ કમોસમી વરસાદ થતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. એક તરફ ઉનાળાની ખેતરમાં તૈયારી ચાલતી હોય ત્યારે વરસાદે જગતના તાતની મુશ્કેલી વધારી છે. આ તરફ રાજકોટ જિલ્લામાં પણ ઠેરઠેર વરસાદ થયો હતો. રાજકોટમાં ક્યાંક ધોધમાર વરસાદ થતા વીજળી ગુલ થવાની પણ ઘટનાઓ બની હતી. ભારે પવન સાથે વરસાદ થતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

આ તરફ મોરબીમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતિત છે. મોરબીમાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદના કારણે મુખ્ય માર્ગોમાં પાણી ભરાવાની અને ખેતર પલળી જવાની ઘટનાઓ બની છે. જૂનાગઢમાં ગિરનાર સહિતના ભાગોમાં કમોસમી વરસાદ નોંધાયો છે. માવઠાના કારણે પાણી ભરાવાની ઘટનાઓ બની છે. અહીં પણ ખેડૂતોની ચિંતા વરસાદે વધારી છે. વાદળછાયા વાતાવરણ અને ભારે ઉકળાટ બાદ ભુજમાં વરસાદી માહોલ બન્યો છે. વાતાવરણમાં પલટો આવતા ઝરમર વરસાદ નોંધાયો. ભુજ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ઝરમર વરસાદ પડ્યો છે. વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જામનગરમાં પણ વરસાદી માહોલના કારણે ઠેર-ઠેર વરસાદ નોંધાયો છે, શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે.