રાજકારણ@ગુજરાત: દિલ્હીમાં PM મોદી, CM ભૂપેન્દ્ર પટેલ અને HM અમિત શાહ વચ્ચે 3 કલાક ચાલી બેઠક, નવાજૂની થશે ?

 
Pm Modi Bhupendra Patel

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બુધવારે કેબિનેટની બેઠક પતાવીને દિલ્હી ગયા હતા. મળતી માહિતી પ્રમાણે દિલ્હીમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ વચ્ચે બેઠક મળી હતી. જેમાં કેટલાક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી. ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ફરી સરકાર રચાયા બાદ ગુજરાત મંત્રીમંડળના વિસ્તરણને લઈને અટકળો ચાલી રહી છે. હવે જોવાનું એ રહે છે કે, રાજ્યમાં 2024ની ચૂંટણી પહેલા કેબિનેટનું વિસ્તરણ થાય છે કે નહીં ? રાજ્યમાં અનેક કોર્પોરેશનોમાં ચેરમેનની જગ્યાઓ પણ ખાલી પડી છે. આના પર પણ નિમણૂકો થવાની બાકી છે.

બુધવારે દિલ્હીમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ વચ્ચે ત્રણ કલાકની મેરેથોન મીટિંગ ચાલી હતી. ગુજરાતમાં વાયબ્રન્ટ ગુજરાતને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આ બેઠકમાં આવતા મહિને યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ની તૈયારીઓ અંગે ચર્ચા થઇ હોવાની માહિતી છે. આ સાથે જ લોકસભા ચૂંટણી પણ નજીક આવી રહી છે, ત્યારે તેના પર પણ ચર્ચા થઇ હોવાનું જાણવા મળ્યુ છે. આ સાથે જ ગુજરાતના અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

 

આ બેઠકમાં ગુજરાતના કેટલાક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ જેવા કે સાબરમતી પ્રોજેક્ટ,સિગ્નેચર બ્રિજ,મેટ્રો સ્ટેશન, બુલેટ ટ્રેન સ્ટેશન સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી.ગુજરાત વડાપ્રધાન મોદી અને અમિત શાહનું હોમ ટાઉન માનવામાં આવે છે. જેથી ગુજરાતમાં તમામ પ્રકારના પ્રોજેક્ટ અને ગતિવિધિ પર તેમની સીધી નજર રહે તે સ્વાભાવિક છે.જેથી વાયબ્રન્ટ સમિટ, નીતિ વિષિયક બાબતો, લોકસભા ચૂંટણી સહિતની બાબતો પર આ ત્રણ કલાકની બેઠકમાં ચર્ચા થઇ હોવાની માહિતી છે.