રિપોર્ટ@પંચમહાલ: સ્વચ્છ વહીવટ માટે ડીડીઓના નેતૃત્વમાં મેગા ઓપરેશન, કૌભાંડીઓની હવે ખેર નથી

 
Panchmahal Jilla Panchayat

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

પંચમહાલ જિલ્લા પંચાયત હેઠળના વિવિધ કામોમાં પાછલાં કેટલાક વર્ષોથી ભ્રષ્ટાચારે ભરડો લીધેલો છે. જોકે નવી સરકારના મંત્રીની વિશેષ સુચનાથી ડીડીઓના માર્ગદર્શન હેઠળ ગંદકી દૂર કરવાનું મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ડેપ્યુટી ડીડીઓ મકવાણા દ્રારા સૌપ્રથમ ગ્રામ પંચાયત સ્તરેથી ભ્રષ્ટાચારની ફાઇલો શોધી શોધીને એક્શન લેવામાં આવી રહ્યા છે. આ વાતની જાણ નાગરિકોને થતાં રજૂઆતો પણ વધવા લાગી છે. મૃદુ ભાષી અને સરળ એવા ડીડીઓ સૌનું સાંભળતાં હોવાનું ધ્યાને કર્મચારીઓ પણ હવે પેન્ડિગ ફાઇલો નિકાલ કરવાની દોડધામમાં લાગ્યા છે. જાણીએ પંચમહાલની પંચાયતમાં "ભ્રષ્ટાચારની પંચાતને" લાગી રહેલા તાળાંનો અહેવાલ....

પંચમહાલ જિલ્લામાં ગ્રામીણ મતદારો અને તેમના માટે સરકારનું ઉત્તરદાયિત્વ ખૂબ મહત્વનું છે એટલે વર્ષે દહાડે ખૂબ મોટી ગ્રાન્ટ ફાળવણી થઈ રહી છે. જોકે તેની પારદર્શક અમલવારીમાં ક્યાંક ક્ષતિ રહેતાં બૂમરાણો વચ્ચે ભ્રષ્ટાચાર દબાઇ રહ્યો છે. જેની સીધી અસર ડીડીઓ અને ધારાસભ્યોને થતી હોઈ નવી સરકારના મંત્રી રાઘવજી પટેલ એક્શન મોડમાં આવ્યા છે. તેના ભાગરૂપે પંચમહાલ જિલ્લા પંચાયત અને તેના હેઠળની કચેરીઓમાં પારદર્શકતા ઉપર જોર લગાવવામાં આવી રહ્યું છે. જીલ્લા વિકાસ અધિકારી બારીયાજીના માર્ગદર્શન હેઠળ ડેપ્યુટી ડીડીઓ મકવાણાએ ગ્રામ સ્તરે મુલાકાતોનો દોર શરૂ કર્યો છે. જેમાં પ્રથમ તો મુલાકાત દરમ્યાન ગેરરીતિ શોધવાની અને બીજી તરફ ટેબલે આવેલી ફરિયાદો ઉપર રેકર્ડ આધારિત તપાસ કરવાનું યુધ્ધના ધોરણે શરૂ કર્યું છે. તાજેતરમાં પાવાગઢ ગ્રામ મામલે અને શાળામાં આરઓ પ્લાન્ટ બાબતે થયેલી કાર્યવાહીથી ગેરરીતિ કરવાની માનસિકવાળાઓમા ફફડાટ વ્યાપી ગયો છે.

Jaherat
જાહેરાત

સૂત્રોએ જણાવ્યું હતું કે, નવી સરકારની રચના પહેલાથી પંચમહાલ જિલ્લાની બૂમરાણ ગાંધીનગર સુધી પહોંચેલી છે. આથી નવા નિમાયેલા ધારાસભ્યોને સીધી સૂચના છે કે, તમારા વિસ્તારમાં ભ્રષ્ટાચાર ડામી દેવો અને ગાંધીનગર સુધી કોઈ નાગરિકને ધક્કો ના ખાવો પડે તેની કાળજી લેવી. આ બાબતને ધ્યાનમાં રાખીને જીલ્લા પંચાયત દ્રારા પણ વિકાસના કામો ઉપર દેખરેખ વધારી દેવામાં આવી, રિવ્યૂ વધારવામાં આવ્યા, તલાટીઓને વસૂલાતની સુચના, વિકાસના કામો ઝડપી કરવા સહિતના મામલે દોડધામ શરૂ કરવામાં આવી છે. ડીડીઓ બારીયાજીના માર્ગદર્શનથી હાથ ધરવામાં આવેલી મેગા ઓપરેશનની કામગીરીથી ગ્રામ્ય સ્તરે પણ જાગૃતિ વધી રહી હોવાનું સામે આવ્યું છે.