ખળભળાટ@મોરવા: વંદેલીમાં મહાકૌભાંડ?, નાણાંપચનાં અનેક કામો શોધ્યાં જડતા નથી, અત્યારથી જ ફફડાટ

 
Panchmahal

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

મોરવા હડફ તાલુકામાં કેટલીક ગ્રામ પંચાયતોના સત્તાધીશોનો વહીવટ જાણીને નવાઇ લાગે તેવી સ્થિતિ બની ગઈ છે. જેમાં એક ગ્રામ પંચાયત તો એવી છે કે જ્યાં ભાજપ સરકારે ફાળવેલા વિકાસના કામો શોધવા પડે તેવી નોબત છે. આટલુ જ નહિ, નાણાંપચ સહિતના અનેક વિકાસના કામો કાગળ ઉપર ખરાં પરંતુ ગ્રાઉન્ડ ઉપર શોધ્યા જડતાં નથી. ગરીબ ગામલોકોના સામૂહિક વિકાસમાં ભ્રષ્ટાચારીઓએ એવી તરાપ મારી છે કે, મહા કૌભાંડ હોવાનું સામે આવી રહ્યું છે. વંદેલી ગ્રામ પંચાયત શું ગોધરા તાલુકાની નદીસર બનવા જઈ રહી છે? નદીસર તો કંઈ નથી પરંતુ તેને પણ ટક્કર મારે તેવું કૌભાંડ છે? આવો જાણીએ સમગ્ર અહેવાલ......

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના નદીસર ગ્રામ પંચાયતમાં કૌભાંડની ફરિયાદ બાદ તપાસ તેજ બની છે. જોકે હજુ એક પૂરૂ થાય તે પહેલાં મોરવાહડફ તાલુકામાં પણ ચોંકાવનારું કૌભાંડ થયું હોવાની બૂમરાણ મચી છે. ગામના જાગૃત નાગરિકે થોકબંધ કામોમાં લાલિયાવાડી, ભ્રષ્ટાચાર, નાણાંકીય ગેરરીતિ, ઉચાપત હોવાનો મુદ્દો ઉઠાવતાં ખળભળાટ મચી ગયો છે.‌ ગ્રામ પંચાયતના અને તાલુકા પંચાયતના નાણાંપચનાં કામો અને તે સિવાયની વિકાસલક્ષી ગ્રાન્ટમાં ભયંકર હદે ભ્રષ્ટાચાર થયો હોવાની રાળ ઉઠી છે. ભ્રષ્ટાચારીઓએ હદ તો ત્યારે વટાવી કે, અનેક કામો કાગળ ઉપર બતાવી નાણાં ગજવે કરી દીધા હોવાની ગામમાં ચકચાર હવે બીજા નદીસરનો ઈશારો કરવા પ્રેરે છે. આ કથિત કૌભાંડનો આંકડા બાબતે નદીસર તો કંઈ ના કહેવાય એવું ચર્ચાતા શંકાસ્પદ કર્મચારીઓ દોડધામ કરી રહ્યા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, પંચમહાલ જિલ્લાના ગામોમાં રાજ્ય સરકારના વિકાસના કામો સચોટ રીતે થાય તે માટે ડીડીઓ અને ડેપ્યુટી ડીડીઓએ કમર કસી છે. એટલે દાખલારૂપ કાર્યવાહી કરી ભ્રષ્ટાચાર બહાર લાવવા અને ભ્રષ્ટાચાર ડામી દેવા તાબા હેઠળના અધિકારીઓને આદેશ કર્યો છે. આવી સ્થિતિમાં મોરવા હડફ તાલુકાના વંદેલી ગામમાં ભ્રષ્ટાચારનો રાફડો ગંભીર હોવાની બૂમરાણ આધારે મામલો ગરમાયો છે. બીજુ નદીસર બની શકે તેવી પ્રબળ શક્યતા હોવાથી તત્કાલીન તલાટી, સરપંચ, એસઓ સહિતના દોડધામમાં લાગ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. કૌભાંડ બહાર લાવવામાં કોઈ કચાશ ના રહે અને શંકાસ્પદ ઈસમો વિરુદ્ધ કાયદેસર કરવા સહેજ પણ ક્ષતિ ના રહે તે માટે મહેનત થઈ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.