રીપોર્ટ@મહેસાણા: થોકબંધ ડમ્પરો ઠલવાઈ ગયા, ધોળાં દિવસે હાઇવે નજીક માટી સંગ્રહ થતાં ચકચાર
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
મહેસાણાથી નંદાસણ જતાં ગણેશપુરા પાસે હાઇવેથી નજીક બેસકિંમતી જમીન ઉપર છેલ્લા કેટલાક દિવસોથી માટીની ડમ્પિંગ થઈ રહ્યું છે. ઠેકઠેકાણેથી મોટીસંખ્યામાં ડમ્પરો માટી લાવી પેટ્રોલપંપ નજીક ઠાલવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. અજાણ્યા ઈસમો કોઈના માટી અને ભવિષ્યમાં કોમર્શિયલ કે ઈન્ડસ્ટ્રીયલ વિકસાવવાના ભાગરૂપે માટી ઠાલવી રહ્યાનું પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે. જોકે લાખો કરોડોનું માટી ખનીજ રોયલ્ટી વગર, સરકારની જોગવાઈ મુજબ રકમ ભર્યા વગર અને પૂર્વ પરવાના સિવાય ખનન, પરિવહન અને સંગ્રહ કરતાં હોવાની બૂમરાણ મચી ગઇ છે. એકબીજાની મિલીભગતથી કેવીરીતે ધોળાં દિવસે ખનીજ માફિયા સરકારને નુકસાન આપી રહ્યા તેનો આ સ્પેશિયલ રીપોર્ટ વાંચો.
મહેસાણા જિલ્લાના શંકુ વોટરપાર્કથી હાઇવે તરફ નંદાસણ જતાં દરમ્યાન ગણેશપુરા પાસે ખૂબ મોટા પ્રમાણમાં ખનીજ માટીનો જથ્થો આવી રહ્યો છે. નાયરા પેટ્રોલપંપની નજીક ખાનગી માલિકીની જગ્યામાં ઉપરાછાપરી માટી ઠાલવતાં ડમ્પરો આખરે લાખો કરોડોની કિંમતની ખનીજ એકઠું કરી દીધું છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ મહેસાણાની ખનીજ માફિયાની જોડીએ છેલ્લા કેટલાક દિવસોમાં 200થી વધુ ડમ્પર ગણેશપુરા નજીક નાયરા પેટ્રોલપંપની બાજુમાં ઠાલવી દીધા છે. મહેસાણા ખાણખનીજ ઇન્સ્પેક્ટર સહિતનાઓથી કેવીરીતે બચાવ લઈ અહિં ડમ્પિંગ થયું તે સૌથી મોટો સવાલ બની ગયો છે. આટલુ જ નહિ, જે જગ્યાએ ખનન કરી, તંત્રથી બચી પરિવહન કરી કેવીરીતે સંખ્યાબંધ ડમ્પરો માટી ઠાલવવા સફળ થયા તે પણ સવાલ છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, સતત વાહનોથી અવરજવર ધરાવતા આ વિસ્તારમાં માટીના ભરાવથી અહિં કોમર્શિયલ કે ઔદ્યોગિક એકમની સંભાવના છે પરંતુ ખનીજ માફિયા જે જગ્યાએ ખનન કર્યું તે સ્થળો સરકારી હશે કે ખાનગી તેના વિશે પણ સવાલો થવા લાગ્યા છે. જોકે માટીના ખૂબ મોટા જથ્થામાં હાઇવે ઉપર થવાને પગલે ખનીજ સંબંધિત વેપારીઓમાં પણ ગણગણાટ શરૂ થયો છે કે, માટીના ખનન અને ડમ્પિંગ મામલે ભૂસ્તરશાસ્ત્રીની કચેરી ટેલી માત્ર કરે તો પણ મોટી કાર્યવાહી થાય તેમ છે. આવી સ્થિતિમાં ખનીજ માફિયા પણ કોઈપણ સંજોગોમાં ડમ્પિંગ મામલે કાર્યવાહીથી બચવા કવાયતમાં લાગ્યા છે.

