વાતાવરણ@ગુજરાત: હવામાન કેન્દ્રની વરસાદને લઈ મોટી આગાહી, જાણો એક જ ક્લિકે
અટલ સમાચાર, ડેસ્ક
અમદાવાદના હવામાન કેન્દ્ર દ્વારા રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે ગુજરાતમાં બે દિવસ વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જેમાં હળવા વરસાદની સંભાવના છે પરંતુ ક્યાંક ગાજવીજ સાથે પણ વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે ગુરુવારે કરેલી આગાહીમાં અમદાવાદ માટે 5 દિવસ યલો એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે માછીમારોને પણ વોર્નિંગ આપવામાં આવી છે.
ગુરુવારે હવામાન વિભાગે આગાહી કરીને રાજ્યમાં મોટાભાગે હવામાન સૂકું રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. જોકે, અંતિમ બે દિવસ કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ પણ થઈ શકે છે. હવામાન વિભાગે રાજ્યના સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ સાથે માછીમારોને પણ ચેતવણી આપવામાં આવી છે.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડિરેક્ટર મનોરમા મોહંતી દ્વારા ગુરુવારે કરવામાં આવેલી આગાહીમાં જણાવવામાં આવ્યું હતું કે રાજ્યમાં તારીખ 28 અને 29મીએ લોકલ કન્વેક્ટિવિટી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે વરસાદ થવાની સંભાવનાઓ છે. કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ પણ છે. ડૉ. મોહંતીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાત સહિતના રાજ્યના અન્ય ભાગોમાં વરસાદ થવાની સંભાવના છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે 28 અને 29 તારીખે વરસાદ થવાની શક્યતાઓ છે.