બ્રેકિંગ@ગુજરાત: 5 દિવસ દરમિયાન માવઠા અને ગરમી અંગે હવામાન વિભાગની મોટી આગાહી

 
Monsoon

અટલ સમાચાર, ડેસ્ક અમદાવાદના હવામાન કેન્દ્ર દ્વારા આગામી 5 દિવસ મોટાભાગે હવામાન સૂકું રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અઠવાડિયાની શરુઆતમાં રાજ્યના દક્ષિણ ભાગમાં કમોસમી વરસાદ થયા બાદ આજે પણ હવામાન સૂકું રહેવાની આગાહી હવામાન વિભાગ વ્યક્ત કરી રહ્યું છે. આ સાથે હવામાન વિભાગે તાપમાનમાં ઘટાડો થયા બાદ વધારો થવાની પણ સંભાવના વ્યક્ત કરી છે.

અમદાવાદ હવામાન કેન્દ્રના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ રાજ્યના હવામાન અંગે આગાહી કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં આગામી 5 દિવસ આખા ગુજરાતમાં હવામાન સૂકું રહેવાની સંભાવના છે. વરસાદ થવાની શક્યતાઓ નથી. આ સાથે તેમણે રાજ્યમાં તાપમાનનો પારો શરુઆતના દિવસોમાં નીચો આવવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે.

ડૉ. મોહંતીએ જણાવ્યું છે કે, રાજ્યમાં તાપમાનો પારો 2-3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. હાલ જે તાપમાન છે તેનાથી ઘટીને સામાન્ય અને સામાન્યથી નીચે તાપમાન જવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. જોકે, તેમણે ત્રણ દિવસ પછી રાજ્યના તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ સમયે તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થઈ શકે છે.

વધુમાં હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી ત્રણ દિવસ સુધી અમદાવાદમાં તાપમાનમાં મોટા ફેરફારની શક્યતાઓ નથી. બુધવારે શહેરમાં 40.7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. આગામી ત્રણ દિવસ સુધી શહેરના તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી રહેવાની સંભાવના છે. અમદાવાદ માટે કોઈ એલર્ટ હાલ આપવામાં આવી રહ્યું નથી.