આગાહી@ગુજરાત: ગરમી ઘટશે પણ ભેજ વધવાથી વધશે બફારો, હવામાન વિભાગે શું કહ્યું ?
અટલ સમાચાર, ડેસ્ક
હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ હવામાન સૂકું રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. આ સિવાય વરસાદની સંભાવના પણ ના હોવાનું જણાવ્યું છે. જોકે, હવામાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી સાંજના સમયે લોકોને બફારો અને અકળામણ થઈ રહી છે. પશ્ચિમી પવનો કે જે અરબી સમુદ્ર પરથી આવતા હોવાથી તેમાં ભેજનું પ્રમાણ વધુ હોય છે. અમદાવાદ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસના હવામાનની આગાહી કરી છે. જે અંગે અમદાવાદ હવામાન કેન્દ્રના વડા ડૉ. મનોરમા મોહંતીએ જણાવે છે કે, ગુજરાત રાજ્યમાં આગામી પાંચ દિવસ હવામાન મોટાભાગે સૂકું રહેવાની સંભાવના છે. વરસાદ થવાની વધુ સંભાવનાઓ નથી. આ સિવાય આગામી પાંચ દિવસ તાપમાનમાં પણ મોટા ફેરફાર થવાની સંભાવનાઓ નથી.
આ સાથે તેમણે રાજ્યમાં પડી રહેલી ગરમી અંગે વાત કરીને જણાવ્યું છે કે, ત્રણ દિવસ પછી તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે. 2-3 ડિગ્રીનો ઘટાડો તાપમાનમાં થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. હવામાન વિભાગે ગરમી ઘટવાની આગાહી કરી છે પરંતુ ભેજનું પ્રમાણ વધુ હોવાથી અકળામણ યથાવત રહી શકે છે.
હવામાનની આગાહી મુજબ ભેજનું પ્રમાણ વધવાની ગરમીમાં ઘટાડો થશે. હાલ રાજ્યમાં અલગ-અલગ જગ્યાઓ પર ભેજનું પ્રમાણ 80%ને પાર જઈ રહ્યું છે. જેમાં દરિયા કિનારાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધુ રહે છે. બપોર પછી ગરમીનું જોર વધતા ભેજના પ્રમાણમાં ઘટાડો થવા લાગે છે. પરંતુ આગામી દિવસોમાં ભેજનું પ્રમાણ વધવાની શક્યતાઓના કારણે બફારો અને અકળામણ વધી શકે છે.