બ્રેકિંગ@ગુજરાત: રાજ્યમાં ગરમીમાં થશે ઘટાડો, જાણો હવામાન વિભાગની મોટી આગાહી

 
Weather Department

અટલ સમાચાર, ડેસ્ક

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી પાંચ દિવસ રાજ્યમાં ગરમીનું પ્રમાણ રહેશે પરંતુ તેમાં ઘટાડો થતો જશે. હવામાન વિભાગે વરસાદ નહીં થવાની અને હવામાન સૂકું રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગે 24 કલાક સુધી તાપમાનનો હાલ પ્રમાણે રહ્યા બાદ તેમાં ઘટાડો થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ સાથે હીટવેવની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

અમદાવાદના હવામાન કેન્દ્રના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, આગામી 5 દિવસ આખા ગુજરાતમાં હવામાન લગભગ સૂકું રહેવાની સંભાવના છે, વરસાદ થવાની કોઈ શક્યતાઓ નથી. કેટલાક ભાગોમાં 44 કે તેનાથી વધુ તાપમાન નોંધાઈ રહ્યું હોવાનું પણ ડૉ. મોહંતીએ જણાવ્યું છે. વધુમાં તેમણે કહ્યું કે, આગામી 24 કલાક સુધી હાલ છે તે પ્રમાણેનું જ તાપમાન રહેવાની આગાહી છે, 24 કલાક પછી રાજ્યમાં ધીમે-ધીમે તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે.

હીટવેવ અંગે આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું કે પહેલા દિવસે એટલે કે આજે સુરત, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ અને ભાવનગર માટે હીટવેવનું એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે બીજા દિવસ માટે એટલે કે શનિવારે સુરત, પોરબંદર અને જૂનાગઢ માટે હીટવેવ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદના હવામાન અંગે વાત કરતા ડૉ. મોહંતીએ જણાવ્યું છે કે, અમદાવાદ તાપમાન 44 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે, જ્યારે ગાંધીનગરમાં પણ તાપમાન 43-44 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતાઓ છે. શનિવારે પણ અહીં તાપમાન આ પ્રમાણે યથાવત રહી શકે છે. જોકે, રવિવારથી તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે. અમદાવાદમાં આજ માટે ઓરેન્જ એલર્ટ છે જ્યારે તે પછી બે દિવસ યલો એલર્ટ રહેશે.