સંભાવના@દેશ: ચોમાસા પહેલા હવામાન વિભાગનું પ્રથમ પૂર્વાનુમાન, જાણો કેટલા ટકા થશે વરસાદ

 
Monsoon

અટલ સમાચાર, ડેસ્ક

હવામાન વિભાગે આગામી ચોમાસા 2023 અંગેનું પ્રથમ પૂર્વાનુમાન કર્યું છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે, દેશમાં ચોમાસું સામાન્ય રહેશે. ચોમાસામાં 96 ટકા વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા "દક્ષિણ પશ્ચિમ ચોમાસા 2023 અંગે એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી છે. પ્રેસ કોન્ફરન્સને પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ ડૉ. એમ રવિચંદ્રન અને IMDના DGM ડૉ. એમ મહાપાત્રા દ્વારા સંબોધિત કરવામાં આવી.

હવામાન વિભાગના પહેલા અનુમાન પ્રમાણે, આ વર્ષે દેશમાં સામાન્ય ચોમાસું રહી શકે છે. સરેરાશ વાર્ષિક વરસાદ 96% રહેવાનો અંદાજ છે. આ આગાહી બાદ હવામાન વિભાગ મે મહિનામાં બીજો અંદાજ જારી કરશે. હવામાન વિભાગનું કહેવું છે કે, અલ નીનોની અસર ચોમાસા દરમિયાન જોવા મળી શકે છે. અલ નીનોની અસર ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં જોવા મળી શકે છે. જોકે, અલ નીનોની વધુ અસર જોવા મળશે નહીં.

આ તરફ ડીજીએમ એમ મહાપાત્રાએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં ચોમાસાની સામાન્ય સ્થિતિ છે. હળવાથી સામાન્ય કરતાં વધુ ચોમાસાની 67% શક્યતા છે. એટલે કે જો, આગામી દિવસોમાં ચોમાસાની સ્થિતિ બદલાશે તો ચોમાસાને લઈને ફેરફાર જોવા મળી શકે છે. ભારતમાં ચોમાસા અને અલ નીનો વચ્ચે કોઈ સીધો સંબંધ નથી. ચોમાસાનું આગામી અપડેટ મેના છેલ્લા સપ્તાહમાં જાહેર કરવામાં આવશે.તેમણે ઉમેર્યું હતું કે, ભૂતકાળમાં લગભગ 40 ટકા અલ નીનો વર્ષો સામાન્ય અથવા સામાન્ય ચોમાસાના વરસાદ સાથેના વર્ષો હતા.

નોંધનીય છે કે, સોમવારે હવામાનની આગાહી કરતી પ્રાઇવેટ એજન્સી સ્કાઇમેટે પણ પોતાનું પહેલું અનુમાન જાહેર કર્યુ છે. સ્કાઇમેટ પ્રમાણે, આ વખતે વરસાદ સામાન્યથી ઓછો રહેશે. આ વખતે સામાન્ય વરસાદ થવાની માત્ર 25 ટકા જ સંભવના છે. LPA (LPA: Long Period Average)નું 94 ટકા વરસાદ થવાનું અનુમાન છે. દુષ્કાળની પણ 20 ટકા સંભાવના છે. હકીકતમાં લા નીના પુરૂં થઇ ચૂક્યુ છે અને આગામી દિવસોમાં અલ નીનોને કારણે વરસાદ નબળું રહેવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.