આગાહી@ગુજરાત: રાજ્યમાં ચોમાસું કેવું રહેશે ? હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું સૌથી મોટું નિવેદન

 
Ambalal Patel

અટલ સમાચાર, ડેસ્ક

સ્કાયમેટ દ્વારા આ વર્ષે ગુજરાતમાં વરસાદ અનિયમિત રહેવાની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાબાલ પટેલે પણ વરસાદને લઈને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, ગુજરાતમાં આ વખતે ચોમાસું 40 થી 50 દિવસ સુધી રહેવાનું અનુમાન છે. 

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર કચ્છ ભાગમાં આ વર્ષે 200થી 300 મિલીમીટર, ઉત્તર ગુજરાતમાં 400 થી 500 મિલીમીટર, મધ્ય ગુજરાતમાં 500 મિલીમીટરની આસપાસ તેમજ સૌરાષ્ટ્રમાં 600 મિલીમીટરથી વધુ વરસાદ વરસી શકે છે. આ સિવાય દક્ષિણ ગુજરાતના ભાગોમાં 600 થી 700 મિલીમીટરથી વધુ વરસાદની શક્યતા છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, આ વખતે ચોમાસામાં જૂન મહિનામાં સારો વરસાદ રહેશે. જ્યારે જુલાઈના મધ્યથી ઓગસ્ટમાં વરસાદ ખેંચાવાની શક્યતા છે. સપ્ટેમ્બર મહિનામાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ વરસી શકે છે. ઓક્ટોબરમાં પણ હવાનું દબાણ ઉભુ થવાથી કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા રહેશે. 

અગાઉ સ્કાયમેટના અનુમાન મુજબ, દેશમાં આગામી ચોમાસું સામાન્ય કરતાં નબળું રહેવાની આગાહી કરવામાં આવી હતી. જેમાં જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન ચોમાસાની સિઝનમાં 868.6 મી.મી વરસાદ પડવાની સંભાવના હોવાનું જણાવાયું હતુ. આ સિવાય ચોમાસાની સિઝન માટેના મહત્ત્વના મહિના જુલાઈ અને ઓગસ્ટમાં ગુજરાત સહિત પશ્ચિમ ભારતમાં અનિયમિત વરસાદની આગાહી કરવામાં આવી છે.