નિવેદન@ગુજરાત: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, મે મહિનો બરાબર ગરમ નહીં રહે તો....

અટલ સમાચાર, ડેસ્ક
હવામાન વિભાગ બાદ હવે અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તેમણે જણાવ્યું હતું કે, એપ્રિલ માસમાં દેશના ઉત્તર પર્વતિય પ્રદેશોમાં, હિમાલયમાં જો ભારે હિમવર્ષા થશે અને મે મહિનો બરાબર ગરમ નહીં રહે તો વરસાદનું ગણિત બગડી શકે છે, પરંતુ બંગાળના ઉપસાગરમાં જોવા જઈએ તો 2 મેથી 15 જૂન વચ્ચે ચક્રવાત સર્જાવાની શક્યતા છે. જેના લીધે વરસાદની સ્થિતિ સારી રહી શકે છે.
અંબાલાલ પટેલે જણાવ્યું કે, અરબી સમુદ્રમાં હળવું દબાણ ઉભું થવાની શક્યતાઓ છે. જે ઓમાન તરફ ફંટાઈ શકે છે. પણ હવાનું દબાણ મજબૂત હશે તો કચ્છના ભાગોમાં અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં સારો વરસાદ થઈ શકે છે. આગાહી પ્રમાણે વરસાદ રહેશે તો ખેડૂતો માટે ફાયદારૂપ થઈ શકે છે.
આ સાથે અંબાલાલે વધુમાં જણાવ્યું કે, જો સાનુકૂળ સ્થિતિ બનેશે તો કચ્છમાં 400 મિલિમીટરથી વધારે વરસાદ થવાની શક્યતાઓ છે. જોકે, વાવાઝોડું કેવું છે તેના પર બધો આધાર રહેલો છે. એટલે શરુઆતનું ચોમાસું સારો વરસાદ લઈને આવી રહ્યો હોય તેમ હું માનું છે. આ વર્ષે ચોમાસું સારું રહેવાની અગાઉ પણ તેમણે શક્યતાઓ વ્યક્ત કરી હતી.
અંબાલાલે 2023ના ચોમાસામાં જુલાઈના મધ્યથી ઓગસ્ટ સુધી વરસાદ ખેંચાવાની શક્યતાઓ પણ તેમણે વ્યક્ત કરી છે. આ દરમિયાન ઓછો વરસાદ થવાની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે. જેના કારણે ખેડૂતોએ પિયત વ્યવસ્થાઓ પણ કરવી પડશે. જૂન મહિનામાં સારો વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. સપ્ટેમ્બર મહિનામાં પણ વરસાદ થવાની તેમણે શક્યતાઓ વ્યક્ત કરી છે.