ગંભીર@ફતેપુરા: મનરેગા એકાઉન્ટન્ટે બીલોના પેમેન્ટ સામે 1.35 લાખ લીધા, લાભાર્થીએ કહ્યું ટીડીઓના નામે પણ 2.5% લીધા

 
Dahod

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

ફતેપુરા તાલુકામાં ફરી એકવાર મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારની દુર્ગંધનો મધપૂડો છંછેડાઈ ગયો છે. વિવિધ કામોના બીલોની ઓનલાઇન એન્ટ્રી કર્યા બાદ પેમેન્ટ કરવા સામે એકાઉન્ટન્ટે મોટાપાયે ટકાવારી લીધી હોવાનો સનસનીખેજ આક્ષેપ લાભાર્થીએ કર્યો છે. મહિલા એકાઉન્ટન્ટે પોતાના અને ટીડીઓના નામે કુલ 5 ટકા લેખે 1.35 લાખ લીધા હોવાની ફરિયાદ તાલુકા પંચાયતમાં આવી છે. અન્ય એક લાભાર્થી સાથે તાલુકા પંચાયતમાં પહોંચ્યા બાદ એકાઉન્ટન્ટને રકમ આપી હોવાનો દાવો મોટા નઠવા ગામનાં લાભાર્થીએ કરતાં મામલો ગરમાયો છે. આટલુ જ નહિ, એકાઉન્ટન્ટ ગેરકાયદેસર ઉઘરાણી કરતાં હોવાની બૂમરાણ અંગે તત્કાલીન ટીડીઓ અસારીએ પણ જણાવ્યું કે, મહિલા એકાઉન્ટન્ટના વિરુદ્ધમાં ખૂબ ફરિયાદો છે અને તપાસ ચાલુ છે. મારા નામે ટકાવારી લીધી હોય તો મને કોઈ ખ્યાલ નથી. જાણીએ સમગ્ર અહેવાલ.

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકા પંચાયતને ભ્રષ્ટાચારના વિવાદ સાથે જાણે નાતો બંધાઇ ગયો છે. મનરેગાના અનેક ભ્રષ્ટાચારની તપાસો ચાલુ છતાં કરારી કર્મચારીઓ ઉઘરાણી કરવાથી ધરાતા નથી હોવાનું ચોંકાવનારી કથિત ઘટનાથી સામે આવ્યું છે. કેટલાક દિવસો અગાઉ મોટા નઠવા ગામનાં દિલીપભાઈ ચરપોટ નામના લાભાર્થીએ મનરેગા કામના ચૂકવણા માટે તાલુકા પંચાયતના મનરેગાના મહિલા એકાઉન્ટન્ટનો સંપર્ક કર્યો હતો. જોકે લાંચની માંગણી થતાં દિલીપભાઈ ચરપોટે જણાવ્યું કે, મહિલા એકાઉન્ટન્ટે પોતાના 2.5 ટકા અને તત્કાલીન ટીડીઓ અસારીના 2.5 ટકા ગણીને કુલ 5 ટકા લેખે રકમ માંગી હતી. આથી પાટડીયાના શૈલેષભાઈના માધ્યમથી મહિલા એકાઉન્ટન્ટે કુલ 1 લાખ 35 હજાર લીધા હતા. આ મામલે દિલીપભાઈ ચરપોટે વધુમાં જણાવ્યું કે, એપીઓને પણ ટેલિફોનીક ફરીયાદ કરી એકાઉન્ટન્ટે નાણાં લીધા હોવાનું કહ્યું છે.

આ તરફ ફતેપુરા તાલુકા પંચાયતના મનરેગાના એપીઓએ જણાવ્યું હતું કે, દિલીપભાઈનો મને ફોન આવ્યો હતો અને આ વિગતો જણાવી હતી. જ્યારે તત્કાલીન ટીડીઓ અસારીના નામે ટકાવારી લીધાની વાત આવતાં હાલના એટીડીઓ અસારીએ જણાવ્યું છે કે, મારા નામે ટકાવારી લીધી હોય તો મને ખબર નથી, આ મહિલા એકાઉન્ટન્ટ વિરુદ્ધ ઢગલાબંધ ફરિયાદો છે અને અનેક કર્મચારી, અધિકારીના નામે ઉઘરાણી કરી હોવાની બૂમરાણ છે. વિવિધ ફરિયાદોની જાણ જિલ્લામાં પણ કરી હોઇ તપાસ ચાલુ છે. કોઈ અરજદાર એમ જ આક્ષેપ ના કરે એ મને પણ ખ્યાલ છે, એટલે તપાસ આધારે ધોરણસરની કાર્યવાહી થશે, જોકે ડીઆરડીએ નિર્ણય કરશે. આ તરફ ગંભીર આક્ષેપ હોવાથી મહિલા એકાઉન્ટન્ટને પૂછતાં જણાવ્યું હતું કે, આવી કોઈ વાત નથી અને લાભાર્થી ઘણાં હોય અમને કોઈનું યાદ ના હોય. જોકે મહિલા એકાઉન્ટન્ટ સાચાં હોય તો દિલીપભાઈ ચરપોટના આક્ષેપ સામે કેમ મૌન છે તે સૌથી મોટો સવાલ છે.

ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો તો મળી ધમકી

ફતેપુરા તાલુકા પંચાયતના મહિલા એકાઉન્ટન્ટ વિરુદ્ધના ચોંકાવનારા આક્ષેપનો મામલો સોશિયલ મીડિયામાં પણ ગરમાયો છે. જેમાં સ્થાનિક આગેવાન અને ભ્રષ્ટાચાર સામે લડતા સુભાષ પારગીએ મનરેગાના કથિત લેણદેણનો મામલો ઉઠાવતાં એકાઉન્ટન્ટના નામે કોઈ ઈસમે ફરિયાદ દાખલ કરવાની ધમકી આપતાં હડકંપ મચી ગયો છે.