વહીવટ@લીમખેડા: અહિંના મનરેગા સત્તાધીશોને સ્ટોનબંધની વધારે જરૂરિયાત, સીઆરડીની વિઝીટથી મોટો ઘટસ્ફોટ શક્ય

 
Limkheda

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

દાહોદ જિલ્લામાં મનરેગાના કામો સૌથી વધુ અને સૌથી ઝડપી થાય છે પરંતુ લીમખેડા એક એવો તાલુકો સામે આવ્યો કે, અહિંના મનરેગાના સત્તાધીશોને મટીરીયલના કામોમાં સ્ટોનબંધ સૌથી વધારે માફક આવી ગયા છે. કેટલાક ગામો એવા છે કે, જ્યાં સ્ટોનબંધની હારમાળા સર્જી દીધી છે. એક એક ગામમાં કરોડોના સ્ટોનબંધથી અનેક ગંભીર સવાલો ઉભા થયા છે. જો સીઆરડી કમિશ્નર કચેરીવાળા જરાક લીમખેડા તાલુકામાં મુલાકાત કરે તો મોટો ઘટસ્ફોટ થાય તેમ છે. સ્ટોનબંધના કામોના ઢગલાબંધ અને કરોડોની રકમનાં બીલોથી હવે તાલુકાના મનરેગા અધિકારી/કર્મચારીઓને પણ વહીવટી ફાવટ આવી ગઈ છે. કોણ અને કેમ ભરપૂર પ્રમાણમાં સ્ટોનબંધ કરાવી રહ્યું અને હકીકતમાં તેની સરખામણીએ અન્ય કામોની જરૂરિયાત છે કે કેમ તેનો સ્પેશિયલ રિપોર્ટ.

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં મનરેગાના કામો અનેકવાર વિવાદ અને તપાસની એરણે ચડી ચૂક્યા છે. એકમાત્ર નાણાંકીય વર્ષ 2022-23ની વાત કરીએ તો લીમખેડા તાલુકામાં સરેરાશ 28 કરોડ લેબર પાછળ અને સરેરાશ 24 કરોડ મટીરીયલ પાછળ ખર્ચ કરવામાં આવ્યા છે. આ મટીરીયલ કામોમાં પણ સૌથી વધુ સ્ટોનબંધના કામોની સંખ્યા જોતાં ચોંકાવનારી સ્થિતિ બની છે. આટલુ જ નહિ, લીમખેડા તાલુકાના સરેરાશ 60 જેટલા ગામો પૈકી 5થી 10 ગામો એવા છે કે જ્યાં સ્ટોનબંધ જ સર્વોપરી છે. દુધિયાધારા, ડુંગરા, હથિયાવણ, માનલી, પાડા અને ઝરોલા સહિતના ગામોમાં કરોડોના સ્ટોનબંધ કરવામાં આવ્યા છે. જોકે આ સ્ટોનબંધ હકીકતમાં ગ્રાઉન્ડ ઉપર કેટલા અને કેવી ગુણવત્તા તે અલગ વિષય છે. સ્ટોનબંધના વારંવારના કામોને પગલે તેની ઓનલાઇન એન્ટ્રી અને વેપારીના બીલોમાં મનરેગા ટીમને જબરી ફાવટ આવી ગઈ છે. હવે સૌથી મોટો સવાલ થાય છે કે, મનરેગા હેઠળ લીમખેડા તાલુકામાં કેમ સ્ટોનબંધ ઉપર સૌથી વધુ જોર છે તે જાણીએ.

Limkheda

સૂત્રોએ જણાવ્યું હતું કે, લીમખેડા તાલુકામાં લેબર અને મટીરીયલ રેશિયો વારંવાર અને વર્ષોથી જળવાતો નથી. હવે મટીરીયલ કામોનો ખર્ચ પણ સરેરાશ લેબર જેટલો કરવામાં આવી રહ્યો છે. ગામોની ભૌગોલિક સ્થિતિ, જનમાનસ, તપાસમાં કોઈ મુશ્કેલી ના આવે, વેપારીને અનુકૂળતા અને વાંધાઓ સહિતની મુશ્કેલી ટાળવા સ્ટોનબંધ પસંદ જ નહિ પરંતુ વન વે બની ગયા છે. સ્ટોનબંધ માટેનું મટીરીયલ પણ એક કરતાં વધુ એજન્સીઓ મારફતે આવી રહ્યું હોઈ આશંકા ટાળવામાં મોટી મુરાદ કામ કરી રહી છે. આવી સ્થિતિમાં જો ગાંધીનગર સ્થિત ગ્રામ વિકાસ કમિશ્નર કચેરીની મનરેગા શાખાની ટીમ એકવાર લીમખેડા તાલુકામાં ઉતરી જાય અને સ્ટોનબંધ જુએ તો મોટો ઘટસ્ફોટ અને કામોની પારદર્શકતા મુદ્દે ચોંકાવનારો ખુલાસો થાય તેમ મનાઈ રહ્યું છે.