બેફામ@સંજેલી: મનરેગાના કર્મચારીએ અનેક લાભાર્થી પાસેથી લીધા બેહિસાબી નાણાં, કલ્પના બહારનો ભ્રષ્ટાચાર
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
સંજેલી તાલુકામાં મનરેગાનો ભ્રષ્ટાચાર એટલા હદે ચોંકાવી રહ્યો કે, સામાન્ય માણસને કલ્પના બહારની વાત છે. તાલુકાના 2 અરજદારે પૈસા આપ્યા/લીધાનું સીધું સ્ટેમ્પ પેપર ઉપર લખીને આપી દીધું છે. આમ છતાં તંત્ર દ્વારા કેમ તપાસ કાર્યવાહી આવતી નથી તે સૌથી મોટો સવાલ છે જ, હવે વાત આટલી નથી, ભ્રષ્ટાચારની દાદાગીરી તો જુઓ, 40હજાર પડાવી લીધા ઉપરથી કામ જમીન ઉપર કર્યું જ નહિ. એટલે આશંકા એવી બની છે કે, જેની ઉપર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ છે તે નરેશ ચારપોટે શુ સંજેલી તાલુકામાં અન્ય લાભાર્થીઓ સાથે પણ આવું કર્યું હશે ? તો શું અનેક લાભાર્થીઓ સાથે છેતરપિંડી થઈ હશે? ભ્રષ્ટાચારનો આંકડો લાખો રૂપિયામાં પહોંચી ગયો હોય અને મામલો ગરમાય તે પહેલાં સસ સંજેલીથી સરકીને ઝાલોદ તાલુકામાં પહોંચી ગયો ? અરજદારોએ લેખિતમાં સોગંદનામુ આપ્યું હોઈ મનરેગા કર્મચારી નરેશ ચારપોટ વિરુદ્ધ એક નહિ અનેક ગંભીર સવાલો છે. જાણીએ સમગ્ર અહેવાલ......
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકા પંચાયતમાં અગાઉ ફરજ બજાવી ચૂકેલા મનરેગા કર્મચારી નરેશ ચારપોટ વિરુદ્ધ અત્યંત ચોંકાવનારી રજૂઆત થયા બાદ મામલો ગરમાતો જાય છે. સ્ટેમ્પ પેપર ઉપર અરજદારો સ્વિકાર કરે છે કે, લાંચ કેસ છે એટલે ધોરણસરની કાર્યવાહી થાય. તો હવે સવાલ એ બને કે, ભ્રષ્ટાચારના આરોપનો સામનો કરતા નરેશ ચારપોટે સંજેલી તાલુકામાં આ સિવાય બીજા લાભાર્થીઓ પાસેથી પણ રકમ લીધી હશે ? જો આ મનરેગા કર્મચારીએ વહીવટી મંજૂરી આપવા/અપાવવા નામે એકપણ રૂપિયો લીધો નથી તો અરજદારો 300 ના સ્ટેમ્પ ઉપર કેમ સ્વિકાર કરતું સોગંદનામું જાહેર કરે છે? આટલુ જ નહિ, પથ્થરપાળાનુ કામ જમીન ઉપર નથી તો ઓનલાઇન પેમેન્ટ થઈ ગયાનું કેમ જોવા મળે છે? આ સમગ્ર મામલો પ્રથમ દ્રષ્ટિએ ભયંકર ભ્રષ્ટાચારનો જણાતો હોઈ મનરેગા એક્ટની જોગવાઈ છે કે, પોલીસ ફરિયાદ દાખલ થાય, તો પછી કોણ કાર્યવાહી રોકી રહ્યું અથવા રોકાવી રહ્યું છે?
સૂત્રોએ જણાવ્યું હતું કે, મનરેગાના એમ.આઇ.એસ નરેશ ચારપોટની સંજેલી તાલુકામાં કામગીરી ખૂબ જ શંકાસ્પદ રહી હતી. આવી શંકાસ્પદ લેણદેણ અને આક્ષેપોની પરિસ્થિતિ વધુ જતાં જ અચાનક નરેશ ચારપોટ ઝાલોદ તાલુકામાં આવી ગયા છે. જો નરેશ ચારપોટની હકીકતલક્ષી આવક, જાવક સહિતનુ સરવૈયું ઈન્કમટેક્સ દ્રારા ચકાસવામા આવે તો મોટો ઘટસ્ફોટ થાય તેમ છે. આ સાથે મામલો સરકારના હિતનો હોવાથી ઝાલોદ તાલુકાના એપીઓને પૂછતાં જણાવ્યું હતુ કે, અમારા ઝાલોદ તાલુકામાં એમ.આઇ.એસ નરેશ ચારપોટને કોઈ વધારાની છૂટછાટ નથી, અમે તેમની કામગીરી ઉપર નજર રાખીએ છીએ, તમામ પ્રકારનો વિશ્વાસ અમે મૂકતાં નથી. નાણાંકીય બાબતે પણ ખૂબ કાળજી લેવામાં આવે અને વહીવટી મંજૂરી મામલે પણ કોઈ રકમ લેવાતી નથી.