રજૂઆત@પાટણ: મહિલા આપઘાત કેસમાં મોદી સમાજ દ્વારા SP કચેરી સુધી રેલી, આરોપીને કડક સજાની માંગ

 
Patan

અટલ સમાચાર, ડેસ્ક

પાટણમાં તાજેતરમાં બનેલ મહિલાના આપઘાતની ઘટના બાદ હવે મોદી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ કેસમાં આરોપી યુવકને દાખલા રૂપ સજા મળે માટે પોલીસ દ્વારા ન્યાયિક તપાસ કરી કડક સજા કરાવવામાં આવે તેવી માંગ સાથે મોદી સમાજ દ્વારા વિશાળ રેલી યોજી પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

પાટણના એક સરોવરમાં તાજેતરમાં એક મહિલાએ આપઘાત કરી લીધો હતો. જોકે બાદમાં સામે આવ્યું હતું કે, એક ઇસમે પૈસાની લ્હાયમાં બે સંતાનની માતા પાસે લાખો રૂપિયાના સોના ચાંદીના દાગીના પડાવ્યા હત. જોકે પૈસા અને દાગીના પરત ન આપી બીભત્સ ફોટો વાયરલ કરવાની ધમકી આપતા મહિલા જીવન ટૂંકાવી દીધું હતું. આ તરફ આરોપી યુવક સામે મહિલાના પતિએ ફરિયાદ નોંધાયા બાદ યુવક સામેથી પોલીસ સમક્ષ હાજર થયો હતો. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, અન્ય કોઈ મહિલા સાથે આવી ઘટના ના બને અને મૃતક મહિલાને ન્યાય મળે માટે સમગ્ર મોદી સમાજમાં ભારે રોષની લાગણી છે. જેને લઈ આરોપી યુવકને કડકમાં કડક સજા થાય તેવી માંગ સાથે મૃતક મહિલાના ઘરેથી જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી સુધી જન આક્રોશ રેલી યોજી હતી. જ્યાં પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપી આરોપીને દાખલા રૂપ કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી.