રિપોર્ટ@દેશ: ગુજરાતમાં આ તારીખે થશે ચોમાસાની એન્ટ્રી, હવામાન વિભાગની આગાહી

 
IMD

અટલ સમાચાર, ડેસ્ક

ઉનાળામાં આકરી ગરમીનો સામનો કરી રહેલા લોકોને આગામી અઠવાડિયાનાં અંતથી રાહત મળવાની આશા છે. ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે ભારતમાં ચોમાસું 4 જૂને કેરળ પહોંચશે. આ સાથે IMD તરફથી કહેવામાં આવ્યું હતું કે ચોમાસા આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ છે. આગામી 2-3 દિવસમાં ઉત્તર ભારતમાં સારો વરસાદ થવાની સંભાવના છે.

હવામાન વિભાગે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે માર્ચ મહિનાથી મે સુધીમાં ચોમાસા પહેલા સારો વરસાદ થયો છે. 1 માર્ચથી 25 મે દરમિયાન 12% વધુ વરસાદ થયો છે. પ્રિ-મોન્સુન સિઝનમાં ગરમીનું પ્રમાણ ઓછું જોવા મળ્યું હતું. હવામાનશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે અમે 4 જૂનની આસપાસ ચોમાસું દક્ષિણ ભારતમાં કેરળ પહોંચવાની અપેક્ષા રાખીએ છીએ.

તેમણે કહ્યું હતું કે 1 જૂન પહેલા આપણે ચોમાસાના આગમનની આશા રાખી રહ્યા નથી. આ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાની સંભાવના છે. IMDએ કહ્યું છે કે આગામી એક સપ્તાહ સુધી અરબી સમુદ્રમાં ચક્રવાતની કોઈ શક્યતા નથી. જો આ જ રીતે હવામાન રહેશે તો ગુજરાતમાં 20 જૂન સુધીમાં ચોમાસું પ્રવેશે તેવી શક્યતા છે.

વરસાદ જો લગભગ દરેક જગ્યાએ સમાન હોય તો તે તમામ સ્થળો માટે એક આદર્શ સ્થિતિ હશે. જો બધે એકસરખો વરસાદ પડે તો ખેતીને બહુ અસર નહીં થાય. ઉત્તર પશ્ચિમ ભારતમાં અત્યાર સુધી સામાન્ય કરતા ઓછો વરસાદ થયો છે. ગુજરાત માટે ચોમાસાને લઈને થોડી ચિંતા રહી શકે છે. ગુજરાત સહિત દેશમાં સામાન્ય વરસાદ પડી શકે છે. ખાસ કરીને ગુજરાતમાં પણ મધ્યમ અથવા સામાન્ય ચોમાસું રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. દેશમાં મોટા ભાગે ચોમાસું સારૂં રહેશે.

હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરી છે. દેશમાં 96 ટકા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ અલનીનોની અસર જોવા મળી શકે છે. જોકે, જુલાઇ મહિના બાદ અલનીનો અંગે ચિત્ર સ્પષ્ટ થશે.