ગંભીર@સુરેન્દ્રનગર: સ્કોલરશીપ કૌભાંડમાં 2000થી વધુ વિદ્યાર્થીઓ ભોગ બન્યા, 5 કરોડથી વધુ રકમ.... જાણો અહીં

 
Surendranagar Crime

અટલ સમાચાર, ડેસ્ક

સુરેન્દ્રનગર જિલ્લાના રતનપર વિસ્તારમાંથી દારૂની મહેફીલ માણતા બે નબીરાઓને અંદાજીત ચાર મહિના પહેલા જોરાવરનગર પોલીસે ઝડપી લીધા હતા. દારૂના ગુનામાં ઝપાયેલા બંને નબીરાઓની કડક પૂછપરછ હાથ ધરવામાં આવી હતી, ત્યાર બાદ જ્યાં આ નબીરાઓ મહેફિલ માણી રહ્યા હતા ત્યાં તપાસ હાથધરવામાં આવતા ચોંકાવનારી વિગતો અને મહત્ત્વના દસ્તાવેજો મળી આવ્યા હતા જેમાં ખાસ કરીને આ પુરાવાઓમાં ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા.

આ અંગે જોરાવરનગર પોલીસે લેપટોપ તથા અન્ય જે સામગ્રી છે તે ઓફિસમાંથી જપ્ત કરી હતી, પ્રથમ તબક્કે 135થી વધુ વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું હતું અને 39 લાખ રૂપિયાની છેતરપિંડી સ્કોલરશીપમાં કરી હોય તેવું બહાર આવ્યું હતું, પરંતુ આ જ મામલે ઝડપાયેલા બંને આરોપીઓ છે તેમની કડક પૂછપરછ હાથ ધરવામાં આવતા અન્ય લોકો સાથે પણ આ પ્રકારની છેતરપિંડી કરવામાં આવી હોવાનો તપાસમાં ધડાકો થયો હતો.

Thangadh
જાહેરાત

સમગ્ર ગુજરાત રાજ્યમાંથી 2000થી વધુ વિદ્યાર્થીઓ સાથે સ્કોલરશીપના નામે કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો તપાસમાં ખુલાસો થયો છે. સમગ્ર ગુજરાત રાજ્યના અલગ અલગ વિસ્તારોના વિદ્યાર્થીઓ પાસેથી 12માની તથા 10મા ધોરણની માર્કશીટ અને અન્ય દસ્તાવેજિક પુરાવાઓ મેળવી લીધા. ત્યાર બાદ સરકાર દ્વારા આપવામાં આવતી પ્રતિ વિદ્યાર્થી દીઠ 20 હજાર રૂપિયાની ઉચાપત કરી લીધી હોવાનું બહાર આવ્યું છે હાલમાં જોરાવરનગર પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. સમાજ સુરક્ષા શાખામાં સ્કોલરશિપના નામે સરકારી નાણાંની 5 કરોડથી વધુની રકમની ઉચાપત થઇ હોવાનું બહાર આવ્યું છે. 

ધોરણ- 10 અને 12 ની પરીક્ષા પાસ કરેલા વિદ્યાર્થીઓને સરકાર દ્વારા સમાજ કલ્યાણ ખાતામાંથી સ્કોલરશીપ આપવામાં આવતી હોય છે. ત્યારે સુરેન્દ્રનગરમાં ફરજ બજાવી ચૂકેલા સમાજ સુરક્ષા વિભાગના અધિકારી અને તેની સાથેની ટોળકીએ ડુપ્લીકેટ ટ્રસ્ટ એકેડેમી સંસ્થાનાં લેટરપેડનો ઉપયોગ કરી સરકારી સ્કોલરશીપની ઉચાપત કરી હોવાનું ખુલ્યું હતું. ખોટી રીતે સ્કોલરશિપ મેળવનાર પાસેથી પોલીસે 37 લાખની રકમની વસુલાત કરી હતી.જોકે સ્કોલરશીપ કૌભાંડમાં સંકળાયેલા મુખ્ય સમાજ સુરક્ષા અધિકારી હાલ પોલીસ પકડથી દુર છે, જ્યારે 2 આરોપીઓ ઝડપાયા છે. તેમની પૂછપરછમાં સમગ્ર ચોંકાવનારી વિગતો બહાર આવી છે.