ધાર્મિક@દેશ: મહાશિવરાત્રિનો મહાપર્વ! જાણો શું છે ઈતિહાસ અને પૂજાનું મુહૂર્ત-મહત્વ, એક જ ક્લિકે

 
gold  shiv

અટલ સમાચાર, ડેસ્ક

મહા શિવરાત્રિ એટલે ભોળાનાથ અને માતા પાર્વતીના મિલનનો દિવસ. મહાશિવરાત્રિ હિંદુ સંસ્કૃતિનો એક મહત્વપૂર્ણ તહેવાર છે. હિંદુ ધર્મના મુખ્ય ત્રણ દેવોમાંના એક મહાદેવની ભક્તિ માટે આ તહેવાર દર વર્ષે ઉજવવામાં આવે છે. આ તહેવાર દેશભરમાં ઉપવાસ કરીને અને ભોળાનાથની પ્રાર્થના કરીને મનાવવામાં આવે છે. આ વર્ષે મહા શિવરાત્રિ શનિવારે, 18 ફેબ્રુઆરીએ આવે છે. આ પાવન દિવસે પરિણીત મહિલાઓ તેમના પતિની સુખાકારી માટે પ્રાર્થના કરે છે, જ્યારે અવિવાહિત મહિલાઓ ભગવાન શિવ જેવા 'આદર્શ પતિ' મેળવવા માટે પ્રાર્થના કરે છે.

હિંદુ પૌરાણિક કથાઓમાં મહા શિવરાત્રિનું અનેરૂં મહત્વ દર્શાવવામાં આવ્યું છે. જોકે, આ દિવસ સાથે અનેક દંતકથાઓ સંકળાયેલી છે. સૌથી મોટી કથા શિવ અને શક્તિના લગ્નની વાર્તા કહે છે. આ વાર્તા આપણને સમજાવે છે કે કેવી રીતે શિવે આ રાત્રે તેની દેવી પત્ની શક્તિ સાથે બીજી વાર લગ્ન કર્યા હતા. દેવી પાર્વતી સાથેના મેળાપ અને લગ્નની ઉજવણીનો આ દિવસ 'ભગવાન શિવની રાત્રિ એટલેકે મહાશિવરાત્રિ' તરીકે ઉજવવામાં આવે છે.

અન્ય એક દંતકથા અનુસાર આ દિવસે ભગવાન શિવે દેવ અને દાનવો દ્વારા સમુદ્ર મંથન દરમિયાન ઉત્પન્ન થયેલા ઝેર પીને વિશ્વને અંધકારથી બચાવ્યું હતું. આ દિવસે અંધકાર અને અજ્ઞાનને દૂર કરવા અને ચેતનાની નવી ભાવના સાથે જીવનમાં આગળ વધવા માટે પ્રતિકાત્મક ઉજવણી કરવામાં આવે છે. એક અલગ દંતકથામાં ઉલ્લેખ કર્યો છે કે, ભગવાન શિવે પત્ની સતીના દહનના સમાચાર સાંભળતા જ સૃષ્ટિસર્જન, સંરક્ષણ અને વિનાશનું નૃત્ય કર્યું હતું, જેને રુદ્ર તાંડવ કહેવામાં આવે છે.

પૂજા વિધિ :

મહાશિવરાત્રિની આખી રાતને ચાર પ્રહરમાં વિભાજિત કરીને રાત્રે ચાર વખત શિવ પૂજા કરવાનો મહાત્મય છે. આ વર્ષે આ ચાર પ્રહર નીચે મુજબ રહેશે, જેમાં શાસ્ત્રોકત વિધિ અનુસાર પૂજા કરવાથી ભોળાનાથ પ્રસન્ના થશે અનેરૂં ફળ મળશે.

ચતુર્દશી તિથિ શરૂ થાય છે - 18 ફેબ્રુઆરી, 2023ના રોજ રાત્રે 08:02 કલાકે

ચતુર્દશી તિથિ સમાપ્ત થાય છે - 19 ફેબ્રુઆરી, 2023 ના રોજ સાંજે 04:18 કલાકે

રાત્રિ પ્રથમ પ્રહર પૂજાનો સમય - સાંજે 06:13 PM થી 09:24 PM સુધી

રાત્રિ દ્વિતીય પ્રહર પૂજાનો સમય - 09:24 PMથી 12:35 PM, ફેબ્રુઆરી 19

રાત્રિ ત્રીજી પ્રહર પૂજાનો સમય - 12:35 AM થી 03:46 AM, ફેબ્રુઆરી 19

રાત્રિ ચોથી પ્રહર પૂજાનો સમય - સવારે 03:46 થી 06:56, ફેબ્રુઆરી 19