કાર્યવાહી@મહેસાણા: બાકી વેરા મામલે પાલિકા એક્શન મોડમાં, શહેરની 9 દુકાનો સીલ

 
Mehsana Nagarpalika

અટલ સમાચાર, ડેસ્ક

મહેસાણા નગરપાલિકા હવે બાકી વેરા મામલે એક્શન મોડમાં આવી છે. વિગતો મુજબ પાલિકા દ્વારા મોઢેરા રોડ પર આવેલ ઇસ્કોન ગેલેક્ષીમાં 6 અને કંકુ કોમ્પલેક્ષમાં 3 મળી 9 દુકાનો કુલ રૂ. 1,25,519 બાકી વેરામાં સીલ કરાઇ હતી. જ્યારે હોટલ રંગોલી સહિત ત્રણ દુકાનનો રૂ.5,67,365નો બાકી વેરો જમા કરાવતાં સિલિંગ ટળ્યું હતું.શહેરમાં છેલ્લા ચાર, પાંચ વર્ષ કે તેથી વધુ વર્ષોના મિલકત બાકીદારો સામે નગરપાલિકાએ વસુલાત સઘન કરી છે. જેમાં કોમર્શિયલ મિલકતોને બાકી વેરામાં સીલ કરાઇ રહી છે.

મહેસાણા શહેરના મોઢેરા રોડ ઇસ્કોન ગેલેક્ષીમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં એક, સેકન્ડ ફ્લોરમાં બે અને થર્ડ ફ્લોરમાં ત્રણ મળીને છ દુકાનો તેમજ કંકુ કોમ્પલેક્ષમાં ફસ્ટ ફ્લોરમાં બે અને બેઝમેન્ટમાં એક મળી ત્રણ દુકાનો સીલ કરી હતી. જ્યારે પાલિકાની વેરા શાખાની વસુલાત ટીમને કંકુ કોમ્પલેક્ષના ફસ્ટ ફ્લોરમાં દુકાન નં. 35માં રૂ.8090, ઇસ્કોન ગેલેક્ષી ગ્રાઉન્ડ ફ્લોર દુકાન નં.1માં રૂ.10345 તેમજ રંગોલી હોટલ પાસેથી બાકી રૂ.548930 વેરો મળી કુલ રૂ.5,67,365ની સ્થળ પર વસુલાત કરાઇ હતી. જ્યારે સીલ કરાયેલ દુકાનો ઉપર સક્ષમ અધિકારીની મંજૂરી વગર દુકાન ખોલવી નહીં અન્યથા ફોજદારીરાહે કાર્યવાહી કરાશે તેવી નોટિસ લગાવી હતી.