સરાહનિય@પાલનપુર: મુસ્લિમ રિક્ષા ચાલક પ્રસૂતા મહિલાઓને નિઃશુલ્ક પહોંચાડે છે હોસ્પિટલ, જાણો તેની અનોખી સેવા વિશે

 
Palanpur

અટલ સમાચાર, ડેસ્ક

બનાસકાંઠા જિલ્લામાં એક રીક્ષા ચાલકની અનોખી સરાહનિય કામગીરી સામે આવી છે. વિગતો મુજબ પાલનપુર વાસણ ગામના આસિફભાઇ મીર રીક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં આ યુવાન છેલ્લા 2 વર્ષથી પોતાની રિક્ષામાં ગર્ભવતી (પ્રસૂતા) મહિલાઓને હોસ્પિટલ સુધી નિ:શુલ્ક પહોંચાડવાનું અનોખું કાર્ય કરી રહ્યા છે. 

બનાસકાંઠામાં એક રિક્ષા ચાલક પણ અનોખી સેવા કરી રહ્યા છે. પાલનપુર તાલુકાના વાસણ ગામ ખાતે રહેતા આસિફભાઇ નિશારભાઈ મીરની ઉંમર માત્ર 25 વર્ષ છે અને તેમણે ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે. આસિફભાઈના પરિવારમાં તેમની માતા, તેમની પત્ની, પોતાની બે દીકરીઓ છે. આસિફભાઇ મીર પોતે રિક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, આસિફભાઇ મીર વર્ષ 2019 થી રિક્ષા ચલાવે છે. એક દિવસ લોકડાઉનના સમયમાં એક પ્રસૂતા મહિલા પોતાના પરિવાર સાથે રોડ પર હોસ્પિટલ જવા માટે વાહનની રાહ જોઈ હેરાન થઈ રહ્યા હતા તે દરમિયાન આ આસિફભાઇ મીરે તે પ્રસુતા મહિલાની મદદ કરી તે પરિવારને હોસ્પિટલ સુધી નિ:શુલ્ક પહોંચાડ્યા હતા. તે બાદ આશિકભાઈ મીરનું મન એકાએક આ અનોખી સેવા કરવા માતે દ્રઢ બન્યું હતું. તે બાદ આસિફ ભાઈ મીર રિક્ષામાં પ્રસૂતા મહિલાઓ માટે નિ:શુલ્ક સેવા કરવાનું લખી પ્રસૂતા મહિલાઓ માટે અનોખી સેવા કરી રહ્યા છે.

નોંધનીય છે કે, આશિફભાઈ મીર દિવસ હોય કે રાત હોય કોઈપણ પ્રસૂતા મહિલાને હોસ્પિટલ લઈ જવા માટે ફોન આવે તો તરત જ પોતાની રિક્ષા ચાલુ કરી સ્થળ પર પહોંચી જાય છે.અત્યાર સુધી આ આસિફભાઇ મીરે પોતાની રિક્ષામાં 230 જેટલી પ્રસૂતા મહિલાઓને ફ્રી હોસ્પિટલ સુધી પોહચાડવાનું અનોખું કાર્ય કર્યું છે. તેમજ કોઈપણ ગરીબ તેમજ અન્ય લોકોને જો મદદની જરૂર પડે તો આસિફભાઇ મીર તરત જ ત્યાં મદદ માટે પહોંચી જાય છે. તેમની આ અનોખી સેવાને પાલનપુર ના લોકો બિરદાવી રહ્યા છે.