ગંભીર@પાટણ: નાયબ મામલતદારનુ દુઃસાહસ, બિનખેતીની ફાઇલમાં 5 લાખ લેતાં ઝડપાયાં, લાંચિયા ભાગીદારો રડારમાં

 
Patan

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

પાટણ જિલ્લા કલેક્ટર કચેરીના કર્મચારી વિરૂદ્ધ એસીબીની સફળ ટ્રેપને પગલે સમગ્ર વહીવટી આલમમાં ખળભળાટ મચી ગયો છે. તમે કલ્પના પણ ના કરી શકો એટલાં રકમની લાંચ વર્ગ 3ના કર્મચારીએ કરી હતી. આજે એસીબી પોલીસે નાયબ મામલતદાર ખેરને પાટણ શહેરની જનતા હોસ્પિટલ નજીક રૂપિયા 5 લાખ લેતાં રંગેહાથ ઝડપી લીધો હતો. ખેતીની જમીનને બિનખેતી કરવાની ફાઇલ સામે 5 લાખની રકમની લાંચ પકડી ખુદ એસીબી પણ ચોંકી ઉઠી છે. એટલે હવે લાંચના સંભવિત ભાગીદારો પણ કાયદાની રડારમાં આવ્યા છે. જાણો વહીવટીના વહીવટનો ચોંકાવનારો ઘટસ્ફોટ...

પાટણ કલેક્ટર કચેરીની એડીએમ શાખામાં નાયબ મામલતદાર તરીકે અલ્પેશ ભોજાભાઈ ખેર ફરજ બજાવે છે. આ દરમ્યાન પાટણ જિલ્લાના એક નાગરિકે ખરીદેલી જમીન એન.એ. કરાવવા કવાયત હાથ ધરી હતી. આ વખતે નાગરિકે પાટણ કલેકટર કચેરીમાં નાયબ મામલતદાર અલ્પેશ ખેર સાથે ચર્ચા કરતા લાંચ પેટે રૂપિયા 5 લાખની લાંચની માંગણી કરી હતી. જોકે નાગરિકે લાંચની રકમ આપવી ના હોવાથી પાટણ એ.સી.બીનો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. આથી આજે પાટણ એસીબી પોલીસની ટીમે લાંચના છટકાનું આયોજન કરતાં નાયબ મામલતદાર અલ્પેશ ખેર હેતુલક્ષી વાતચીત કરી રૂપિયા 5 લાખની લાંચ માંગણી કરી રકમ પણ રૂબરૂ સ્વીકારી લીધી હતી. બરાબર આ સમયે સ્થળ ઉપર પાટણ એસીબીએ નાયબ મામલતદાર અલ્પેશ ખેરને લાંચની રકમ લેતાં રંગેહાથ ઝડપી લીધો હતો.આ પછી આરોપી ખેરને ડીટેઇન કરી પાટણ એસીબી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ ટ્રેપમાં ટ્રેપીંગ અધિકારી અને પીઆઇ એમ.જે.ચૌધરી અને સુપરવીઝન અધિકારી કમ ઇન્ચાર્જ મદદનીશ નિયામક વી.એસ.વાઘેલા, એ.સી.બી. બોર્ડર એકમ, ભુજ રહ્યા હતા.