ગંભીર@રાજપીપળા: 4.25 કરોડના ટેન્ડરમા સ્પર્ધા જ ગાયબ, ચીફ ઓફિસર કહે, કંઈ ખોટું નથી, તો આ શું વાંચો
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
નર્મદા જિલ્લાની રાજપીપળા નગરપાલિકાના એક મહાકાય ટેન્ડરમા એજન્સીઓ વચ્ચે મિલીભગત થઇ અને દેખાડો કરવા પૂરતી બનાવટી ભાવ હરિફાઈ થઈ છે. આમ છતાં ખરીદનાર કચેરીના વડા કહે છે કે, કંઈ ખોટું નથી. આખાય ટેન્ડરમા સ્પર્ધાનુ કોઈ નામોનિશાન નથી અને ઈરાદાપૂર્વક એલ1 એજન્સીને કોઈ જ ભાવ હરિફાઈ મળી નથી. એજન્સીઓ વચ્ચે મિલીભગતની શું બાયર કચેરીના ચીફ ઓફિસરને ખ્યાલ ના હોય? અશક્ય છે ત્યારે સમગ્ર વિષયે નર્મદા જિલ્લા કલેક્ટરને વિષયની જાણ થતાં તાત્કાલિક અસરથી ધ્યાને લેવા દોડધામ કરી છે. આ તરફ એજન્સી માટે કોણે અને કેટલી ટકાવારી લઈ ભૂંડી ભૂમિકા ભજવી છે તેની તપાસ તાત્કાલિક અસરથી થાય તો મસમોટું સેટિંગ્સ પ્રામાણિક સાંસદ મનસુખભાઈ વસાવાના સંસદીય મતવિસ્તારમાંથી બહાર આવે તેમ છે. વાંચો સમગ્ર અહેવાલ.
નર્મદા જિલ્લાના મુખ્ય મથક એવા રાજપીપળા નગરપાલિકાના ચીફ ઓફિસરને ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ ઉપર એજન્સીઓની રિંગ દેખાતી નથી. આ અધિકારીના કહેવા મુજબ અમે બધું બરાબર કર્યું અને ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ ઉપર કર્યું છે એટલે બરાબર છે. હવે અહિં જ સૌથી મોટો ખુલાસો થાય તેમ છે. રાજપીપળા નગરપાલિકાએ ફેબ્રુઆરી 2026 દરમ્યાન ઈલેક્ટ્રિક કેબલિંગ સર્વિસ કેટેગરીમાં સોલાર લાઇટનુ ટેન્ડર કર્યું હતુ. GEM/2026/B/7250693 નંબરના આ બીડની એસ્ટિમેટ બીડ વેલ્યુ 4કરોડ 25 લાખ હતી ત્યારે ટેકનિકલ ચકાસણી બાદ માત્ર 2 એજન્સી વચ્ચે ભાવ ઓફરની સ્પર્ધા થઈ હતી. સંપૂર્ણ બનાવટી, દેખાડો કરવા પૂરતી, પૂર્વ આયોજિત સેટિંગ્સના દુર્ગંધથી ભરપૂર એવી આ સ્પર્ધામાં એલ2 એજન્સીએ ઈરાદાપૂર્વક આર.એ દરમ્યાન ભાગ લીધો નહિ. કેમ કે, આ એલ2 એજન્સીએ એસ્ટિમેટ બીડ વેલ્યુથી વધારે ભાવ ઓફર કર્યા ત્યારે પોતાની મળતિયા એલ1 એજન્સીને વગર સ્પર્ધાએ બીડ લેવાનો માર્ગ મોકળો થઈ ગયો હતો. વાંચો નીચેના ફકરામાં.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ખરીદનાર કચેરીના વડા કે કમિટીને ખબર જ હતી કે, આર.એ પ્રક્રિયા દરમ્યાન ભાવોની પારદર્શક સ્પર્ધા થાય. આ બાજુ એલ2 એજન્સીને એસ્ટિમેટ બીડ વેલ્યુથી ઓછું પોષાતું નહોતું ત્યારે ટેન્ડર શું માત્ર એલ1ને વિના વિઘ્ને બીડ અપાવવા ભર્યું હતું?? આ બાબતે સરકારના નાણાંકીય હિતમાં ગંભીર સવાલો ઉભા થતાં હોવા છતાં રાજપીપળા ચીફ ઓફિસરને કંઇ જ ધ્યાને લેવું નથી અને નિયમનો હવાલો આપી તપાસ ટાળવા કોશિશ કરી છે. આથી સદર વિષયમાં સરકારનું અતિ નાણાંકીય હિત અને કમ્પિટીશન કમિશન ઓફ ઈન્ડિયાની જોગવાઈઓ પણ લાગું પડતી હોવાથી નર્મદા જિલ્લા કલેક્ટરે તપાસની તૈયારી બતાવી છે.

