પારદર્શી@નર્મદા: નોર્મલ વનવિભાગનુ 65 લાખથી વધુનું ટેન્ડર 33 લાખથી નીચે, ભ્રષ્ટો વિરુદ્ધ પ્રામાણિક કામગીરી

 
Image
એક દાખલો બેઠો કે, બીડ વેલ્યુથી ખૂબ નીચે વેપાર સો ટકા થાય છે એ વાત સાબિત થઇ

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

નર્મદા જિલ્લાના સામાજિક વનીકરણના અનેક ટેન્ડરમા બનાવટી ભાવ હરિફાઈનો મુદ્દો તપાસ હેઠળ છે ત્યારે નોર્મલ વનવિભાગના એક ટેન્ડરમા સરકારના નાણાંકીય હિતમાં મોટી કામગીરી થઇ છે. ડીસીએફ (નોર્મલ) નર્મદા કચેરીના પારદર્શી ટેન્ડર 65 લાખથી વધુનું હોવા છતાં પ્રામાણિક ભાવ ઓફરનો પ્રયાસ થતાં તમે વિચારી ના શકો તેટલી રકમે ડાઉન આવ્યું છે. અડધાથી પણ ઓછી રકમે વેપાર થઈ શકે અને પારદર્શક ટેન્ડર પ્રક્રિયા કરી સરકારના નાણાં બચાવી શકાય છે તેનું ઉત્તમ ઉદાહરણ નર્મદા નોર્મલ વનવિભાગની કચેરીએ પુરવાર કર્યું જણાય છે. આ ટેન્ડરથી મોટો દાખલો પણ બેઠો કે, ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ ઉપર જો સંપૂર્ણ પારદર્શક ટેકનિકલ અને આર.એ કરાવો તો ભ્રષ્ટાચારને કોઈ જગ્યા મળતી નથી. જાણીએ સમગ્ર અહેવાલ.

લીલી વનરાજી અને વનવિભાગના વૃક્ષોથી ભરપૂર નર્મદા જિલ્લાના એક ટેન્ડર વિશે આજે મોટી જાણકારી પ્રકાશમાં આવી છે. જો પ્રામાણિક અધિકારી અને ભ્રષ્ટ વેપારી ટોળકી ના હોય તો કોઈની તાકાત નથી કે, ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ ઉપર સેટિંગ્સ કરી શકે. જી, હા, નર્મદા જિલ્લાની નોર્મલ વનવિભાગની ડીસીએફ કચેરીએ રૂ. 65 લાખથી વધુનું સોલાર ફોટોવોલ્ટિક પંપ સેટ, 10 નંગનું ટેન્ડર કર્યું છે. આ ટેન્ડરની શરતો અને સ્પેશિફીકેશન સહિતની કામગીરીમાં ખૂબ જ પ્રામાણિકતા રાખી હોઈ ટેકનિકલ ચકાસણી બાદ કાંટે કી ટક્કર જેવી ભાવ ઓફર બનવા પામી છે. સરેરાશ 6 એજન્સીઓ વચ્ચે આર.એ શરૂ થતાં ગણતરીના કલાકોમાં મોટો ખુલાસો થયો હતો. કોઈપણ રીતે આ ટેન્ડરમા સેટિંગ્સ નહિ હોવાથી 6 વેપારીઓ વચ્ચે આ ટેન્ડર કબ્જે કરવા ધડાધડ ભાવ ડાઉન થવા લાગ્યા હતા. વાંચો નીચેના ફકરામાં રોચક અને જોરદાર વિગતો.

નર્મદા જિલ્લાની નોર્મલ વનવિભાગની કચેરીના આ ટેન્ડરમા પહેલાંથી જ એજન્સીઓ વચ્ચે કે બાયર વચ્ચે સેટિંગ્સ ના હતું અને તેના લીધે રિવર્સ ઓક્શન દરમ્યાન એલ6નો ભાવ ઓફર રૂ.65,55,550 રહ્યો જ્યારે એલ1નો ભાવ ઓફર રૂ. 32,90,000 આવ્યો છે. આવી સ્થિતિમાં બાયર એવી ડીસીએફ નોર્મલ નર્મદા જિલ્લા કચેરીએ સરકારના હિતમાં મોટી કામગીરી કરી બતાવી છે. આટલું જ નહિ, આ કચેરીના સદર ટેન્ડરથી ભ્રષ્ટાચારી ટોળકી માટે દાખલારૂપ કામગીરી થઇ છે અને સાબિત થયું છે કે, બીડ વેલ્યુથી ભાવ ખૂબ ડાઉન જઇ શકે છે અને પ્રામાણિક રીતે ખરીદ વેચાણ પણ થઈ શકે છે.