ખળભળાટ@નર્મદા: અધિકારીએ સવા કરોડથી વધુનું કામ જાતે નક્કી કરી નાખ્યું, સભ્યો અજાણ હોવાનો ગંભીર આરોપ

સવાલ કરતાં આયોજન અધિકારી બોલ્યા, સદર કામમાં કોઈ સભ્યો જ નથી હોતા, ફાઇલ પ્રભારી સચિવ સમક્ષ મૂકવાની હોય છે
 
Chaitar vasava latter

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

વનબંધુઓના નર્મદા જિલ્લામાં અધિકારીઓની મનસ્વી કાર્યપધ્ધતિ અને તેનાં પાછળ કાળી કમાણીની આશંકા ઉપજાવતી ફરિયાદ સામે આવી છે. આપના ધારાસભ્ય વસાવાએ ગંભીર આરોપ સાથે મુખ્યમંત્રીને ફરિયાદ કરી છે કે, આયોજન અધિકારીએ મનસ્વી રીતે સવા કરોડથી વધુ રકમનું કામ પસંદ કરી લીધું છે. આ કામ માટે ધારાસભ્ય, સંસદ સભ્ય, પ્રમુખ સહિતના પદાધિકારીઓને વિશ્વાસમાં લીધા નથી. આથી મામલો ગંભીર જણાતાં આયોજન અધિકારીએ ચાલાકી પૂર્વક બચાવ લીધો અને ચોંકાવનારી વાત કહી કે, સભ્યો અને કમિટી જેવું કંઈ હોતું જ નથી. આયોજન અધિકારીના આ બેફામ વાણીવિલાસથી સદર કામ બાબતે પદાધિકારીઓનુ જાણે અસ્તિત્વ જ ખતમ થઇ ગયું હોવાની સ્થિતિ બની છે. આવો જાણીએ સમગ્ર અહેવાલ...

UCDS Narmda

નર્મદા જિલ્લાના આયોજન અધિકારી અને કોન્ટ્રાક્ટર વચ્ચે મિલીભગત હોવાનો આક્ષેપ ધારાસભ્ય ચૈતર વસાવાએ કર્યો છે. નર્મદા જિલ્લો અતિ પછાત જિલ્લો હોઈ સુખાકારી માટે ગુજરાત સરકારની મોટી ગ્રાન્ટ આવતી રહે છે. જોકે આ ગ્રાન્ટનો ખર્ચ ક્યાં અને કેવી રીતે કરવો તેમાં અધિકારીઓનું મનસ્વી વર્તન હોવાનું સામે આવ્યું છે. અધિકારીઓ પોતાને લાભ થાય તેવી એજન્સીઓ સાથે મળી બારોબાર આયોજન કરી રહ્યાનો આરોપ ધારાસભ્ય વસાવાએ લગાવ્યો છે. નર્મદા જિલ્લામાં વિકાસશીલ તાલુકા જોગવાઈ હેઠળ દેડીયાપાડામાં રૂપિયા 5189000 અને સાગબારા તાલુકામાં રૂપિયા 8180000 ની ગ્રાન્ટ આવેલી છે. જેમાં આયોજન જિલ્લા આયોજન અધિકારી સશાંક પાંડેએ સાંસદસભ્ય, ધારાસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ અને તાલુકા પંચાયત પ્રમુખને વિશ્વાસમાં લીધા વગર બારોબાર પોતાને અનુકૂળ કામ માટે ગ્રાન્ટ વાપરવાનું ગોઠવી દીધું છે. 

ચૈતર વસાવાએ આક્ષેપ કર્યો છે કે, પ્લાનિંગ અધિકારીએ બાયોગેસ પ્લાન્ટનુ આયોજન મનસ્વી રીતે કર્યું હોવાથી આ કામ રદ્દ કરી ખેડૂતોને અતિજરૂરી બોરવેલની મંજુરી આપવામાં આવે. આટલુ જ નહિ પ્લાનિંગ અધિકારી અને કોન્ટ્રાક્ટ એજન્સી સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરી છે. આ સાથે એવી પણ ચિમકી ઉચ્ચારી છે કે, જો સત્વરે યોગ્ય જવાબ નહિ મળે તો મારે આગામી ગુરુવારે કલેકટરના ચેમ્બરની સામે ધરણાં ઉપર બેસવાની ફરજ પડશે તેવું મુખ્યમંત્રીને કરેલી ફરિયાદમાં જણાવતાં નર્મદા જિલ્લાના રાજકીય અને વહીવટી આલમમાં ખળભળાટ મચી ગયો છે.