આગાહી@ગુજરાત: અરબ સાગર અને બંગાળની ખાડીમાં થશે નવાજૂની ? અંબાલાલે પટેલે શું કહ્યું ?

 
Ambalal Patel

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં આગામી 24 કલાક પાંચ જિલ્લામાં ભારે વરસાદની શક્યતાઓ છે. બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ અને વડોદરામાં અમુક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્રમાં એક્ટિવિટીસ થશે, જેના કારણે 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. સાથે જ સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. આગામી ચાર દિવસ સામાન્ય વરસાદ અમુક વિસ્તારમાં રહેશે. 25 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાયની ગતિવિધિઓ શરૂ થાય તેવું અનુમાન છે. જોકે, ચોમાસાની વિદાય બાદ પણ આછોતરો વરસાદ થતો હોય છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 25 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાયની ગતિવિધ શરૂ થઈ જશે. અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં ગતિવિધિના કારણે વરસાદ રહેશે. આ ગતિવિધિ 24થી 25 સપ્ટેમ્બરમાં વધી જશે. જેના કારણે 26થી 29 સપ્ટેમ્બરમાં વરસાદ થશે. ક્યાંક વધારે વરસાદ રહેવાનું અનુમાન છે. પરંતુ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ મજબૂત બનશે અને ડિસેમ્બર સુધી સાયકલોન બનતા રહેશે. 30 સપ્ટેમ્બરથી આ સ્થિતિ જોવા મળશે. 2થી 14 ઓક્ટોબરમાં મોટું ચક્રવાત સક્રિય થવાનું અનુમાન છે. જેના કારણે ગુજરાતમાં વરસાદ આવી શકે છે અને વરસાદ જ્યારે આવશે ત્યારે હવે ચક્રવાતનો વરસાદ હશે.

ચોમાસાની વિદાય બાદ દર વર્ષે પાછોતરો વરસાદ થાય છે અને ચાલુ વર્ષે પણ વરસાદ થવાનું અનુમાન છે. જોકે, ચાલુ વર્ષે ચોમાસું જ વિશેષ રહ્યું છે. આમ તો 2023ની શરુઆતથી હવામાન વિશિષ્ટ જોવા મળ્યું છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે કે, 30 સપ્ટેમ્બર બાદ વારંવાર ચક્રવાત સક્રિય થશે જેની અસર વાતાવરણ પર જોવા મળશે. નોંધનીય છે કે, હવામાન વિભાગે આજે એટલે શનિવારે પણ ભારે વરસાદની આગાહી કરી છે. જેમા જણાવાયું છે કે, આજે વડોદરા, દાહોદ, પંચમહાલ, બનાસકાંઠા, સાબરકાંઠામાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની શક્યતા છે. આ સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની શક્યતા છે. આ સાથે એમ પણ આગાહી કરવામાં આવી છે કે, સૌરાષ્ટ્રમાં થન્ડર સ્ટોમ એક્ટિવિટીઝ થઇ શકે છે. આ સાથે 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે સાથે જ સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા પણ છે.