ભ્રષ્ટાચાર@ચિખલી: ઘરની પેઢી હોય તેમ મનરેગાના કામની જગ્યા બદલી નાખી, નામ સામૂહિક કૂવો, બન્યો પર્સનલ

 
Navsari
અટલ સમાચાર ડોટ કોમ, નવસારી 
ચિખલી તાલુકામાં મનરેગા હેઠળના કામોમાં કાયદા અને સરકારી કાગળોનું જાણે કોઈ મહત્વ ના હોય તેવું ચિત્ર સામે આવ્યું છે. કાગળ ઉપર જે જગ્યા બતાવવામાં આવી તેનાથી તદ્દન બીજી જગ્યાએ કૂવો બનાવી દીધો છે. ઘરની પેઢી હોય તેમ કાગળો ઉપર જૂની જગ્યા રાખી કૂવો બીજી જ જગ્યાએ ઉભો કરી દીધો છે. આનાથી પરિસ્થિતિ એવી બની કે, નામ છે સામૂહિક કૂવો પરંતુ હાલત જુઓ તો પર્સનલ કૂવો ફાળવી દીધો હોય તેવી બની છે. આટલું જ નહિ ભર્યા પાણીએ અનેક ચેકડેમો ઊંડા કર્યાનું બતાવી જે મસમોટો ખર્ચ પાડ્યો તે પણ ભ્રષ્ટાચારની બદબૂથી ખદબદી રહ્યાં છે. જાણીએ સમગ્ર અહેવાલ.
Navsari 1
નવસારી જિલ્લાના ચિખલી તાલુકાના આમધરા ગામના લોકો મનરેગા હેઠળ થયેલા વિવિધ કામોથી ખુશ થવાને બદલે ભારે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. સંગઠિત ટોળકીએ આમધરા ગામમાં સામૂહિક કૂવો, ચેકડેમો ઊંડા કરવા, વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવા સહિતના કામો મનરેગા હેઠળ કર્યા હતા. હવે આ કામોમાં ભયંકર હદે લાલિયાવાડી થઈ હોવાનું અને મસમોટો ભ્રષ્ટાચાર થયો હોવાનું ખુદ ગામલોકો કહે છે. હકીકતે ગામલોકોએ કેટલાક દિવસ અગાઉ મોટી સંખ્યામાં એકઠા થઇ રેલી કાઢીને તંત્ર સમક્ષ વેદના વ્યક્ત કરી હતી. જેમાં કાગળ ઉપરના કેટલાક કામો તો સ્થળ ઉપર શોધ્યા જડતાં નથી. ખાસ કરીને સામૂહિક કૂવો જે જગ્યાએ કાગળ ઉપર છે તે સ્થળ ઉપર નથી. ઘરની પેઢી હોય તેમ આખો પ્લોટ બદલી અન્ય જગ્યાએ કૂવો બનાવી દીધો છે. આ સાથે ચોમાસામાં અને પાણી ભરાયેલું હતું એ દરમિયાન અનેક ચેકડેમો ઊંડા કર્યાનો ખર્ચ પાડી ટોળકીએ ભેગાં મળીને ભ્રષ્ટાચાર કર્યાના આક્ષેપો છે.
Navsari 2

સૂત્રોએ જણાવ્યું હતું કે, ગામના જાગૃત નાગરિકે સૌપ્રથમ આરટીઆઇ હેઠળ વિગતો મેળવી અને આ જ વિગતો આધારે ફરિયાદ આપી તો પણ કેવી લાલિયાવાડી થઈ સમજીએ. ચિખલી તાલુકા પંચાયતે તપાસ કરી અને રિપોર્ટ બનાવ્યો કે કોઈ ભ્રષ્ટાચાર થયો નથી, માત્ર જગ્યા બદલી છે એટલે વહીવટી ભૂલ છે. હવે આ તપાસ રિપોર્ટ સમજીએ. કાગળ ઉપર જે જગ્યાએ કૂવો છે તે સ્થળ ઉપર નથી કેમ ભાઇ ? જો કૂવો મંજૂર થયેલી જગ્યાએ નહોતો બની શકતો તો કેમ વહીવટી પ્રક્રિયા કરીને નવી જગ્યાએ મંજૂરી ના મેળવી ? બાપદાદાની પેઢી હોય તેમ ઇચ્છા મુજબ સરકારી ખર્ચે ઉભી થતી એસેટનું સ્થળ ફેરફાર થાય ? આ બાબતે તત્કાલીન ટીડીઓ ચૌહાણે જણાવ્યું હતું કે, જગ્યા બદલી શકાય, જ્યારે મનરેગા એક્ટનો આધાર લઈને પૂછતાં એટીડીઓ જીતુભાઇએ જણાવ્યું હતું કે, મનરેગા યોજના સાથે કાયદો છે પરંતુ એટલો ઊંડો ખ્યાલ નથી.

Navsari