નવસારી: PI એ MLAનું ગળુ દબાવ્યું હોવાના આક્ષેપ, તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ
રાજકોટ પીઆઇ

અટલ સમાચાર, ડેસ્ક

હંગામી કર્મચારીઓના વેતન સહિતના પ્રશ્નો મુદ્દે ગત રોજ રેલીને મંજૂરી ન મળતા વગર મંજૂરીએ ધરણા કરતા કોંગી ધારાસભ્ય અનંત પટેલ સહિત કર્મચારીઓને પોલીસે બળપ્રયોગ કરી ડિટેન કર્યા બાદ રાજકીય મુદ્દો બન્યો છે. જેમાં LCB ના PI એ ધારાસભ્યનું ગળુ દબાવ્યુ હોવાના આક્ષેપ સાથે આજે જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા અધિક કલેકટરને આવેદનપત્ર આપી, PI તેમજ DYSP ને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ અથવા તેમની અન્યત્ર બદલી કરવાની માંગ કરી છે. જો ન્યાય ન મળે, તો આગામી દિવસોમાં રસ્તા પર ઉતરી આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

નવસારીના લુન્સીકુઈ મેદાન ખાતેથી કલેક્ટર કચેરી સુધી ગત રોજ જેટકોના નવસારી સર્કલમાં કાર્યરત હંગામી કર્મચારીઓએ કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજ્યો હતો પરંતુ જેટકો કર્મચારીઓને રેલી મુદ્દે મંજૂરી ન મળતા વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલ પોતાના સમર્થકો અને કર્મચારીઓ સાથે લુન્સીકુઈ મેદાનની ફૂટપાથ પર ધરણા પર બેસી ગયા હતા. જેમાં પોલીસ અધિકારીઓ સાથે વાત કર્યા બાદ 3 જૂને રેલી સાથે આવેદન આપવાનું નક્કી થયું હતું.
 

દરમિયાન વગર મંજૂરીએ ધરણા કરાતા પોલીસે ધારાસભ્ય અનંત પટેલને ડિટેન કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં અનંત પટેલે પોતે છુટા પડતા હોવાનું જણાવી ડિટેનશનનો વીરોધ કરતા પોલીસે બળ પૂર્વક તેમને તેમજ કર્મચારીઓ અને કોંગ્રેસીઓને ડિટેન કર્યા હતા. જે દરમિયાન થયેલા સંઘર્ષમાં અનંત પટેલને લોકલ ક્રાઈમ બ્રાન્ચના PI દિપક કોરાટે ગળુ દબાવ્યુ હતુ અને DYSP સંજય રાય દ્વારા જબરદસ્તી તેમને પોલીસ જીપમાં બેસાડ્યા હોવાના આક્ષેપો સાથે આજે કોંગ્રેસ દ્વારા જિલ્લાના તમામ તાલુકા મથકો, નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક અને જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યા હતા.

 

જેમાં ધારાસભ્ય જેવા સન્માનીય પદ પર બેઠા હોવા છતાં પોલીસ દ્વારા અનંત પટેલ સાથે કરેલ ગેરવર્તણૂકની નિંદા કરી, રક્ષક જ ભક્ષક બને તો ભાજપના રાજમાં લોકશાહી મરી પરવારી છે. જેથી ધારાસભ્ય અનંત પટેલનું ગળુ દબાવનાર PI દિપક કોરાટ અને DYSP સંજય રાયની તાત્કાલિક અસરથી સસ્પેન્ડ અથવા બદલી કરવામાં આવે એવી માંગણી ઉચ્ચારી હતી. સાથે જ જો ન્યાય ન મળે તો આગામી દિવસોમાં કોંગ્રેસી કાર્યકરો રસ્તા પર ઉતરી આંદોલન છેડશેની ચીમક્કી પણ ઉચ્ચારી હતી. ઉલ્લેખનિય છે કે આજે પણ પોલીસ અધિક્ષક કચેરી અને કલેક્ટર કચેરીમાં પ્રવેશ મુદ્દે કોંગ્રેસી કાર્યકરોએ પોલીસ સાથે માથાકૂટ કરી હતી. જ્યારે સમગ્ર મુદ્દે અધિક કલેકટરે સમગ્ર પ્રકરણનો રિપોર્ટ મંગાવી, યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.