રિપોર્ટ@નવસારી: રમતગમતના ટેન્ડરમાં હરિફો સાથે રમત થઇ? કૌભાંડની ચોંકાવનારી ફરિયાદ કેમ થઈ

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
નવસારી જિલ્લામાં ટેન્ડર પ્રક્રિયા મામલે કચેરી દ્વારા ચોંકાવનારી હરકતો થયાના આક્ષેપ કરતી અરજી સામે આવી છે. રમત વિકાસ અધિકારીએ સરકારની એક ગ્રાન્ટ હેઠળ સ્પોર્ટ્સના વિવિધ સાધનો ખરીદવા ટેન્ડર કર્યું પરંતુ સમગ્ર ટેન્ડર પ્રક્રિયા પૂર્વ આયોજિત માનીતા ઠેકેદારને આપવા કરી હોવાની સનસનીખેજ ફરિયાદ થતાં ખળભળાટ મચી ગયો છે. અરજીમાં દર્શાવેલ કારણો, હકીકતો અને સરકારના હિતના મુદ્દા જોતાં ટેન્ડર સેટિંગ્સ માટે થયું હોવાનું પ્રાથમિક દલીલથી ઉભરી આવ્યું છે. સૌથી મોટો ઘટસ્ફોટ ત્યાં થયો કે, ટેન્ડરમાં ભાવોની હરિફાઈ એટલે કે, આર.એ થયું છતાં ભાવો માત્ર 5 હજાર નીચા કરી એકબીજાના મેળાપીપણામાં અતિહાઈ ભાવે વર્ક ઓર્ડર આપવા/લેવા કાંડ થયો છે. જોવાની ખૂબી એ પણ છે કે, ટેન્ડર ખોલવાનો સમય ક્યારેય ઘટે નહિ છતાં 3 દિવસ પહેલાં ખોલી દેવામાં આવ્યું તે સૌથી મોટો અને ગંભીર સવાલ છે. જાણીએ સમગ્ર અહેવાલ.
નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રમત વિકાસ અધિકારીની કચેરીને સરેરાશ 40 લાખની વહીવટી મંજૂરી મળી છે. નાણાંકીય વર્ષ 2024-25 દરમ્યાન નવસારી જિલ્લાની કેટલીક શાળાઓમાં રમતગમતના સાધનો ફાળવવા આપેલી આ ગ્રાન્ટ જિલ્લા રમતવિકાસ અધિકારીને મળી છે. હવે આ અધિકારી દ્વારા 10 લાખના કુલ 4 ટેન્ડર બહાર પાડી ખરીદ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ટેન્ડર ખોલવાનો સમય 18 માર્ચ છતાં કોઈ કારણસર 15 માર્ચે ટેન્ડર ખોલી દેવામાં આવ્યું હતુ. ટેન્ડર ખોલ્યા બાદ ટેકનિકલ ચકાસણીમાં કેટલીક એજન્સીઓને ખોટાં કારણો આપી હરિફાઈ માંથી દૂર કરી હોવાની ગંભીર ફરિયાદ થતાં હડકંપ મચી ગયો છે. ડોક્યુમેન્ટ અને જરૂરી બાબતોની પૂર્તતા છતાં ટેકનિકલ ચકાસણીમાં આઉટ કરી સરકારની પારદર્શક રિવર્સ ઓક્શનમાં ભાગ ના લેવા દીધાનો આક્ષેપ થયો છે. જેમાં વિગતો એવી છે કે, 10 લાખના એક ટેન્ડરમાં જે માલસામાન ખરીદવાનો થાય છે તેની બજાર કિંમત સરેરાશ 2 લાખ જેટલી છે પરંતુ પૂર્વ આયોજિત ષડયંત્રથી ચોક્કસ એજન્સીને વર્ક ઓર્ડર આપવા પારદર્શક ખરીદ પ્રક્રિયા નેવે મૂકી હતી. વાંચો નીચેના ફકરામાં.
સૂત્રોએ જણાવ્યું હતું કે, સમીર નામનો મહા ખેલાડી વેપારી આ ટેન્ડરના સેટિંગ્સમાં હોવાની દલીલો ટેન્ડરના વેપારીઓમાં થઈ રહી છે. આ સમીરની જૂની એજન્સીઓના નામો છાપરે ચડી ગયા હોવાથી નવા નામોની એજન્સીઓ મારફતે સરકારની નિષ્પક્ષ ખરીદ પ્રક્રિયાને તોડી મરોડી નાણાંકીય નુકસાન પહોંચાડ્યું છે. નવસારી જિલ્લા રમતવિકાસ અધિકારી અલ્પેશભાઈને પારદર્શક ટેન્ડર પ્રક્રિયા મામલે વારંવાર પૂછતાં રૂબરૂ મળો અથવા કચેરીમાં આવી જોઈ જાઓ કહ્યું હતુ. 10 લાખના એક ટેન્ડરમાં અનેક એજન્સીઓના ભાવો 5 લાખથી પણ ઓછાં હોવા છતાં રિવર્સ ઓક્શન 9.95 લાખમાં પૂર્ણ થયાનું સામે આવ્યું છે. જો આ ચારેય ટેન્ડર સંપૂર્ણ પારદર્શક રીતે અને સરકારનાં હિતમાં કર્યા હોય તો 40 લાખનો માલસામાન સરેરાશ 20 લાખથી પણ ઓછાં ભાવે ખરીદવો શક્ય બનતો.
શું કહે છે ટેન્ડર ભરતી એજન્સીઓ
આ બાબતે માર્કેટમાં સરકારના ટેન્ડર ભરતી એજન્સીઓ જણાવે છે કે, કોઈપણ ટેન્ડરની શરતો જો નિષ્પક્ષ હોય તો વધુને વધુ વેપારીઓ આવેદન કરે પરંતુ જો પૂર્વ આયોજિત હોય તો ટેકનિકલ સેક્સનમા ઈરાદાપૂર્વક બેથી ત્રણ એજન્સીઓ કે જે એક જ વ્યક્તિ ઓપરેટ કરતો હોય તેવી હોય અને આ એજન્સીઓ કાર્ટેલ કરે એટલે રિવર્સ ઓક્શનમા ભાવો નજીવા ડાઉન કરી રિવર્સ ઓક્શનનો સમય પૂર્ણ કરાવી વર્ક ઓર્ડર કબજે કરે છે અને કાર્ટેલની જાણ છતાં અધિકારી વર્ક ઓર્ડર આપે છે.
કેવીરીતે કૌભાંડ ખુલી શકે ?
ટેન્ડરની સમગ્ર પ્રક્રિયામાં આવતાં તમામ કર્મચારી, અધિકારીઓને રૂબરૂ મુલાકાત ખુદ કલેક્ટર કરે અને સરકારને કેવી રીતે નાણાંકીય હીત કે નુકસાન થયું તેની તપાસ અને પારદર્શક હરિફાઈ બાબતે ક્યાં ચૂક રખાઈ તેની ખાત્રી કરે તો તુરંત કૌભાંડની મોડસ ઓપરેન્ડી ખુલી શકે છે.