કાર્યવાહી@સુરત: બાળકીને લિફ્ટમાં માર મારનારી પાડોશી મહિલાની ધરપકડ, જાણો શું કહ્યું આરોપીએ ?
અટલ સમાચાર, ડેસ્ક
સુરતના મોટા વરાછામાં પડોશી મહિલાએ સામેના ફલેટમાં રહેતી 8 વર્ષની બાળકી પર જન્માષ્ટમીએ મોડીરાતે અત્યાચાર ગુજાર્યો હોવાનો વીડિયો વાઇરલ થયો હતો. મહિલાની હૈવાનિયત સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ઘટના બાદ બાળકીના પિતાએ ઉત્રાણ પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો. આ ગુનામાં ગુરુવારે સવારે કોમલ વિવેક સોજીત્રા (27) (રહે, સિલ્વાસા ટ્વીન ટાવર, ઉત્રાણ, મૂળ રહે, વાંડલીયા ગામ, અમરેલી)ની ધરપકડ થઈ છે.
મોટા વરાછામાં સિલવાસા ટ્વીનમાં કોમલ સોજીત્રા ભાડેથી રહે છે. આ ઘટના પછી મકાનમાલિકે કોમલને મકાન ખાલી કરવા કહી દીધું છે. 7મી સપ્ટેમ્બરે જન્માષ્ટમીનો તહેવાર હતો. નાના બાળકોના ઝઘડામાં ભાન ભૂલેલી કોમલ સોજીત્રાએ પડોશીની 8 વર્ષની દીકરીને ઊંચકી લીફટ પાસે ધક્કો મારી અંદર ધુસાડી ગાલ પર તમાચા મારી અને ઢીકામુક્કીનો માર માર્યા હતો. બાળકી રડતી હોય છતાં પથ્થર દિલની પડોશી મહિલાને જરાયે દયા આવી ન હતી.
પોલીસ સમક્ષ મહિલાએ એવું રટણ કર્યું કે, બાળકીના પરિવારે અગાઉ મને કહ્યું કે તેને ડરાવજો, એ મારાથી ડરતી હતી. જ્યારે પોલીસે કેમેરાના ફુટેજ બતાવ્યા ત્યારે તેણે મહિલાએ કહ્યું કે સાહેબ મારાથી મોટી ભૂલ થઈ છે. પછી બે હાથ જોડી માફી માંગી પોલીસ સામે રડવા લાગી હતી. વધુમાં મહિલાએ કહ્યું કે, જન્માષ્ટમીની રાત્રે કોમન પ્લોટમાં બાળકીનો પગ મને અડી ગયો હતો. જેના કારણે મને ગુસ્સા આવી ગયો હતો.