વાતાવરણ@ગુજરાત: અહીં વીજળીના ચમકારા સાથે થયો વરસાદ, જાણો હવામાન વિભાગની નવી આગાહી

 
Monsoon

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતના હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની સંભાવના વ્યક્ત કરી હતી. જેમાં બે દિવસ દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, ડાંગ સહિતના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ રહ્યો હતો. હવે આગામી દિવસોમાં વરસાદી માહોલ કેવો રહેશે તે અંગે પણ હવામાન વિભાગે શક્યતાઓ વ્યક્ત કરી છે. જેમાં ગરમીનું પ્રમાણ વધશે કે ઘટશે તે અંગે પણ માહિત આપવામાં આવી છે.

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતી દ્વારા બુધવારે 24 કલાકમાં ગુજરાતના દક્ષિણ ભાગમાં હળવા વરસાદની સાથે હળવી થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થવાની સંભાવના વ્યક્ત કરી હતી. જોકે હવે આજથી હવામાન સૂકું રહેવાની સંભાવના હવામાન વિભાગ વ્યક્ત કરી રહ્યું છે. દક્ષિણ ગુજરાતના સુરત સહિતના કેટલાક ભાગોમાં બે દિવસ દરમિયાન પડેલા વરસાદે જાણે ભરઉનાળે ચોમાસું બેઠું હોય તેવી સ્થિતિ ઉભી કરી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, આજથી રાજ્યના તાપમાનમાં ઘટાડો થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ અંગે ડૉ. મોહંતીએ બુધવારે જણાવ્યું હતું કે, "24 કલાક પછી (આજથી) તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે." આકરી ગરમી દરમિયાન બહાર નીકળતી વખતે સૂતરાઉ કપડા પહેરવાની અને માથું ઢંકાયેલું રહે તેની કાળજી રાખવાની પણ સલાહ આપવામાં આવી છે.