ગંભીર@દ્વારકા: કચરો ભરવાની નવી ગાડીઓ ખુદ કચરામાં ? જાણો શું છે સમગ્ર મામલો ?

અટલ સમાચાર, ડેસ્ક
સ્વચ્છતા અભિયાન અન્વયે દરેક શહેરને સ્વચ્છતામાં ક્રમ આપવામાં આવે છે. ખંભાળિયામાં સ્વચ્છતા માટે ચારેય ગ્રામ પંચાયતને જિલ્લા પંચાયત દ્વારા પંચાયત વિસ્તારમાંથી કચરો એકઠો કરવા માટે વાહનો ફાળવાયા છે. આ તરફ ધરમપુર ગ્રામ પંચાયતે હજુ સુધી વાહનોને ઉપયોગમાં ન લેતા વાહનો શરૂ થયા પહેલા જ ખરાબ થઈ ગયા હોય તેવી હાલત થઈ છે.
દ્વારકા જિલ્લામાં 15 મી નાણા પંચાયત જિલ્લા કક્ષાની વર્ષ 2020-21 ની ગ્રાન્ટમાંથી ધરમપુર ગ્રામ પંચાયતમાં લાખોના ખર્ચે 4 ઇલેક્ટ્રિક બાઇકની ફાળવણી કરવામાં આવી હતી. જે લાંબા સમયથી પછી પણ ઉપયોગમાં ન લેવામાં આવતા આ વાહનો ધૂળ ખાઈ રહ્યા છે. મહત્વનું છે કે, નવાનકોર વાહનો ઉચ્ચ કક્ષાએથી મોકલી દીધા બાદ પણ શરૂ નથી થયા.
સમગ્ર મામલે ધરમપુરના સરપંચે જણાવ્યું હતું કે, હવે અઠવાડિયામાં શરૂ કરી દેશું! ત્યારે લોકો સવાલ કરી રહ્યા છે કે, આ વાહનો સડી ગયા ત્યાં સુધી શરૂ કેમ ન કરવામાં આવી? એક બાજુ ખંભાળિયામાં ઠેકઠેકાણે ગંદકીના થર જામ્યા છે, ત્યારે વાહન ફાળવ્યાના મહિના વીતી ગયા હોવા છતાં પંચાયત દ્વારા હજુ સુધી કચરો એકઠો કરવામાં ઉપયોગમાં ન લેવાતા નવા વાહનો પડ્યા પડ્યા કાટ ખાઈ રહ્યા છે.