વાતાવરણ@ગુજરાત: ગરમીમાં સામાન્ય ઘટાડો, વરસાદને લઈ હવામાનની નવી આગાહી

અટલ સમાચાર, ડેસ્ક
હવામાન વિભાગ દ્વારા શુક્રવારે રાજ્યના હવામાન અંગે કરેલી આગાહીમાં અઠવાડિયા દરમિયાન સ્થિતિ સામાન્ય રહેવાની સંભાવના વ્યક્ત કરી હતી. આ સાથે હવામાન વિભાગે તાપમાનમાં પણ મોટા ફેરફાર થવાની સંભાવના ના હોવાનું જણાવ્યું છે. જોકે, ભેજની સ્થિતિ યથાવત રહી શકે છે, જેના કારણે લોકોને અકળામણ થઈ રહી છે. રાજ્યમાં પશ્ચિમી પવનો કે જે અરબી સમુદ્ર પર થઈને આવી રહ્યા છે જેના કારણે ભેજના પ્રમાણમાં વધારો થયો છે.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વડા ડૉ. મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે આગામી 5 દિવસ (23મી મે) રાજ્યનું હવામાન સૂકું રહેવાની સંભાવના છે. આ દરમિયાન વરસાદ થવાની શક્યતાઓ નથી. જોકે, ગરમીના કારણે રાજ્યમાં એકાદ જગ્યા પર લોકલ કન્વેક્ટિવીટીના કારણે વરસાદ થઈ શકે છે, પરંતુ એની શક્યતાઓ બહુ જ ઓછી છે.
તાપમાનની વાત કરીએ તો રાજ્યમાં 42 ડિગ્રી તાપમાન સાથે અમદાવાદ અને અમરેલી સૌથી ગરમ શહેર રહ્યા હતા. જ્યારે રાજકોટ, ગાંધીનગર, વલ્લભ વિદ્યાનગરમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ સિવાય સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં સામાન્ય કરતા નીચું નોંધાઈ રહ્યું છે. રાજ્યમાં ગરમીની સ્થિતિ સિઝન પ્રમાણે સામાન્ય છે, ક્યાંય હીટવેવની રહેવાની શક્યતાઓ નથી, જોકે, અમદાવાદ માટે આજથી 4 દિવસ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ, ગાંધીનગરમાં તાપમાન 41-42 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતાઓ છે.
સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ અને સુરેન્દ્રનગરને બાદ કરતા તમામ સ્થળો પર મહત્તમ તાપમાન 40 ડિગ્રીની અંદર નોંધાઈ રહ્યું છે. જેમાં દ્વારકા અને દીવમાં રાજ્યનું સૌથી નીચું 33 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. રાજ્યમાં ગરમીની સાથે ભેજનું પ્રમાણ વધવાના કારણે લોકો અકળામણ અનુભવી રહ્યા છે અને પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે. રાજ્યમાં રાતના તથા સવારના સમયે ભેજનું પ્રમાણ વધુ હોય છે જે દરિયાકાંઠાના ભાગોમાં 90% સુધી પહોંચી જાય છે. પરંતુ બપોર થતા ગરમીનું પ્રમાણ વધતા ભેજમાં ઘટાડો થાય છે. અમદાવાદમાં ભેજનું પ્રમાણ 75-50%ની આસપાસ રહે છે, જેના કારણે બફારો થઈ રહ્યો છે.